
સુરતમાં રાત્રિના સમયે બે કારખાનામાં આગની ઘટના સામે આવી છે. ભટાર રોડ ખાતે એમ્બ્રોઈડરી અને વેડરોડ ખાતે આવેલા લુમ્સના કારખાનામાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.આગના પહેલા બનાવમાં, ભટાર અલથાણ રોડ પર એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રુદ્રાક્ષ ફેશન નામના એમ્બ્રોઈડરીના કારખાનામાં રાત્રે આગ ફાટી નીકળે હતી. જેના પગલે ચારથી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગના પગલે કારખાનાની અંદર રહેલી મશીનરીઓ અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
આગના અન્ય એક બનાવમાં, વેડ રોડ ખાતે હરિઓમ મિલની પાછળ આવેલા એક લુમ્સના કારખાનામાં પહેલા માળે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળ જોડી ગઈ હતી. એક કલાકની ભારે બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. પહેલા માળે આગ હોવાથી ફાયરના જવાનોને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગના પગલે મશીનરીઓ અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાત્રે એમ્બ્રોઈડરી અને લૂમ્સના કારખાનામાં લાગેલી આગની ઘટનાઓનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે. જોકે, આ બંને અગની ઘટનાઓ રાત્રે બની હોવાથી કારખાનામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.