અમદાવાદમાં મેયરશ્રીના હસ્તે રૂ.58.77 કરોડના વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત અને નામાભિધાન કાર્યક્રમો

Spread the love

વિવિધ વોર્ડના નાગરિકોને અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો, સ્વિમિંગ પુલ, લાઈબ્રેરી સહિતના વિવિધ વિકાસના કામોની ભેટ

અમદાવાદ

અમદાવાદ શહેર શિક્ષણ, સ્વાસ્થ્ય અને રમત-ગમત ક્ષેત્રે વિશ્વકક્ષાનું હબ બન્યું છે. મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદહસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.58.77 કરોડના વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત અને વિવિધ સ્થળોના ઈ-નામાભિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂ.53.64 કરોડના 37 વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ, રૂ.5.13 કરોડના બે કામોના ઈ-ખાતમુહૂર્ત તથા 10 સ્થળોના નામાભિધાનનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મેયરશ્રી પ્રતિભાબેન જૈનએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને ઉત્તમ શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા તથા રમત-ગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં અમલમાં મૂકાયેલા વિકાસ કાર્યોને કારણે અમદાવાદ શહેર વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. AMC દ્વારા શહેરમાં માર્ગ વ્યવસ્થા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, બગીચાઓ તથા ઓક્સિજન પાર્ક જેવા પ્રકલ્પો દ્વારા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સાથે સાથે સ્વિમિંગ પૂલ, જીમ્નેશિયમ, કોમ્યુનિટી હોલ, લાઈબ્રેરી, સ્કેટિંગ રીંગ અને અન્ય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ ઉભી કરીને શહેરમાં રમત-ગમત અને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. સ્માર્ટ શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટરો તેમજ આંગણવાડી કેન્દ્રો દ્વારા નાગરિકોને ગુણવત્તાસભર શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને આરોગ્ય સુનિશ્ચિત કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોની સુવિધા મજબૂત બનાવવામાં આવી છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી શહેરના વિકાસ માટે અમલમાં મૂકાયેલા વિવિધ પ્રકલ્પોને કારણે અમદાવાદ શહેર સ્વચ્છતા, હરિયાળી અને આધુનિક શહેરી સુવિધાઓના ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. શહેરને “ક્લિનેસ્ટ અને ગ્રીનેસ્ટ સિટી” બનાવવા માટે AMC દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી વિકાસમુખી કામગીરીને કારણે નાગરિકોમાંથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને શહેરના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં પણ આવી કામગીરી ચાલુ રાખવામાં આવશે.’આ અવસરે શહેરના વિવિધ ઝોનમાં સ્વિમિંગ પૂલ, જીમ્નેશિયમ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી કેન્દ્રો, બાલવાડી, સ્કેટિંગ રીંગ, હેલ્થ સેન્ટર તેમજ નવી અદ્યતન લાઈબ્રેરી સહિતના કુલ 37 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે પૂર્વ ઝોનના ભાઈપુરા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર તેમજ અન્ય એક કામનું ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક સ્થળોના નામાભિધાન પણ કરવામાં આવ્યા હતા.જેમાં દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં વટવા પ્રાથમિક શાળા વડીયા તળાવ પાસેથી કેનાલ સુધીના જતા માર્ગનું “શ્રી રાજારામ વિદ્યા વિહાર માર્ગ”, મધ્ય ઝોનના ખાડીયા વોર્ડમાં સારંગપુર દોલતખાનામાં આવેલા રણછોડજી મંદિર પાસેના ચોકનું “સ્વ.શ્રી લવલેશભાઈ મહેતા ચોક”, પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં ડાયમંડ વિલા બંગ્લોઝની સામે આવેલ નવનિર્મિત ગાર્ડનનું “સરદાર પટેલ ગાર્ડન”, પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં ન્યુ સી.જી.રોડ પર આવેલ કોમ્યુનિટી હોલનું “સંત શ્રી સદારામ બાપા કોમ્યુનિટી હોલ”, દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં આવેલ જોધપુર કોમ્યુનિટી હોલનું “પૂર્વ મેયરશ્રી ડો.મુકુલભાઈ શાહ કોમ્યુનિટી હોલ”, મધ્યઝોનના ખાડીયા વોર્ડમાં સારંગપુર દરવાજાની અંદર તળીયાની પોળમાં આવેલ ચોકનું “આધ્યાત્મજ્ઞાની પ.પુ.ગુણી શ્રી મણીચંદ્રજી મ.સા.ચોક”,દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વોર્ડમાં ભારવી ટાવરથી ખારીકટ કેનાલને જોડતા ટી.પી.રોડનું “ભગવા માર્ગ” તથા ભારવી ટાવરથી ખારીકટ કેનાલથી સુરેલા મેઈન ટી.પી.રોડ ક્રોસ થાય છે તે ચોકને “ભગવા ચોક”,દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વોર્ડમાં રબારી કોલોનીથી વસ્ત્રાલ કેનાલ જતા ટી.પી.રોડ પર આવેલ સુરેલીયા સર્કલને “ભારતમાતા ચોક”, દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વોર્ડમાં રામરાજ્ય સર્કલથી ખારીકટ કેનાલને જોડતા ટી.પી.રોડનું “પરમ સંતશ્રી રામપ્રસાદજી મહારાજ માર્ગ”, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં મકરબા વિસ્તારમાં અલબુર્જથી મકરબા ઓવરબ્રિજથી એસ.જી.હાઈવેને જોડતા રોડ સુધીના માર્ગનું “રાષ્ટ્ર રક્ષા માર્ગ” નામકરણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડક શ્રી શીતલ ડાગા, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, AMCના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *