લાંચિયા પોલીસકર્મીઓ પર ACBનો સપાટો: દસાડા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Spread the love

 

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત કાનજીભાઈ મેમકીયા લાંચ લેતા રંગેહાથ ઝડપાતા પોલીસ (Head constable Bribe News) વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે પૂર્વ આયોજિત છટકું ગોઠવીને આ ભ્રષ્ટ કર્મચારીને ₹80,000ની રોકડ રકમ સાથે દબોચી લીધો છે.

કેમ માગી હતી લાંચ?
આ સમગ્ર મામલાની વિગત મુજબ, એક ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન ફરિયાદીને રિમાન્ડમાં માર ન મારવા તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓના નામ ન ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ ભરત મેમકીયાએ ₹80,000ની લાંચની માંગણી કરી હતી.

ACBનું સફળ છટકું
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીના અધિકારીઓએ દસાડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેવો હેડ કોન્સ્ટેબલે નક્કી કરેલી લાંચની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

કડક કાર્યવાહીની તૈયારી
એસીબીની આ કાર્યવાહીથી ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ફફરાટ ફેલાઈ ગયો છે. હાલ એસીબી દ્વારા હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દળમાં જ રહીને કાયદાના ધજાગરા ઉડાવતા કર્મચારી સામે થયેલી આ કાર્યવાહીની લોકમુખે પ્રશંસા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *