જીજે 18 શહેરમાં મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારે ભરડો લીધો છે, ત્યારે હવે તો પેટી સિવાય વાત નહીં, અને પેટીઓ ભેગી કરીને અનેક બાબુઓ ખોખાઓના માલિક બની ગયા છે, ત્યારે પેઢીઓ થી ખરીદેલા મકાનો હવે ખોખાથી નવા ખરીદી રહ્યા છે, પેટી એટલે લાખ, ખોખું કરોડ કોર્ડવર્ડ આજે પડી ગયો છે, ત્યારે જીએમસીના પોપટીયા એવા ટેક્સ ઓફિસર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ ઓફિસર ઉપેન્દ્ર સુતરીયા ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે, એક તરફ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં લાંચ-રુશ્વત વિરોધી તકેદારી બેઠક ચાલી રહી હતી, તે જ સમયે મનપા કચેરીમાં ક્લાસ-વન અધિકારી લાંચ લેતા ઝડપાતા વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અધિકારીના નિવાસસ્થાન અને અન્ય મિલકતોની તપાસ હાથ ધરી છે, જ્યારે આ સફળ ટ્રેપ બાદ પાટનગરના સરકારી આલમમાં ચકચાર મચી ગઈ છે.
ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા લાંચ માગી હતી આ કેસની વિગતો મુજબ, ફરિયાદ કરનાર નાગરિક વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ-વેચાણનો વ્યવસાય કરે છે. ફરિયાદીએ વેચેલા એક વાહનના ટેક્સ ભરવા બાબતે મહાનગરપાલિકામાં કેટલીક વિસંગતતાઓ ઊભી થઈ હતી. આ બાબતે આરોપી ઉપેન્દ્ર સુતરીયાએ ફરિયાદી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવા, ફરિયાદ ન નોંધવા અને તેમની એજન્સીનું લાયસન્સ રદ ન કરવાના બદલામાં રૂ.1,00,000ની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBની ટીમે સતર્કતા દાખવી છટકું ગોઠવ્યું હતું.
ACBની ટીમે ત્રાટકીને ટેક્સ ઓફિસરને રંગેહાથ ઝડપી પાડ્યો ફરિયાદના આધારે ACBની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન જ્યારે ઉપેન્દ્ર સુતરીયા લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ACBની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ઉપેન્દ્ર સુતરીયા પાસે કોર્પોરેશનમાં મહત્વના એવા વ્યવસાય વેરા અને વાહન વેરા વિભાગની જવાબદારી હતી. લાંબા સમયથી આ વિભાગમાં કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠતી રહી હતી, પરંતુ આ સફળ ટ્રેપ બાદ ભ્રષ્ટ અધિકારીઓના કરતૂતો ખુલ્લા પડ્યા છે.
અધિકારીના નિવાસસ્થાન અને અન્ય મિલકતોની તપાસ શરૂ
ACBએ લાંચની રકમ જપ્ત કરી અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ ટ્રેપ બાદ ACB હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ અગાઉ પણ અન્ય લાયસન્સ કે ટેક્સના કામોમાં આવી કોઈ ગેરરીતિ આચરવામાં આવી હતી કે કેમ, ગાંધીનગર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ક્લાસ-1 કક્ષાના અધિકારી લાંચ લેતા પકડાયા હોવાથી પાટનગરના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં ACB દ્વારા અધિકારીના નિવાસસ્થાન અને અન્ય મિલકતોની તપાસ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.
ભ્રષ્ટાચાર વિરોધી બેઠક વચ્ચે જ ક્લાસ-વન અધિકારી ACBની ટ્રેપમાં ઝડપાયો
ગાંધીનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર અને ઇન્ચાર્જ કલેક્ટર જે.એન. વાઘેલાની અધ્યક્ષતામાં જ્યારે લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની ત્રિમાસિક તકેદારી બેઠક ચાલી રહી હતી, બરાબર તે જ સમયે મનપા કચેરીમાં એક ક્લાસ-વન અધિકારી લાંચ લેતા ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. આ બેઠકમાં કલેક્ટરે પડતર કેસોની સમીક્ષા કરવાની સાથે છેલ્લા છ માસમાં ગાંધીનગર એકમ દ્વારા કરવામાં આવેલી સફળ કામગીરીની વિગતો રજૂ કરી હતી, જેમાં વિવિધ જિલ્લાઓમાં લાખો રૂપિયાની લાંચ અને અપ્રમાણસર મિલકતના કેસોમાં મોટી રકમ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના પાઠ ભણાવતી આ બેઠક દરમિયાન જ થયેલી આ કાર્યવાહીએ સરકારી તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે, જ્યારે મદદનીશ નિયામક આશુતોષ પરમારે કોઈપણ ગેરકાયદેસર અવેજની માંગણી સામે ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવા જનતાને અપીલ કરી છે.