
ce40dd55-bec2-41c6-8e9b-5f7b61c3d751
video
*PM E-DRIVE કાર્યક્રમ અંતર્ગત 1000 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો,ઉપરાંત 660 ઈલેક્ટ્રીક બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ તેમજ 300 વધુ ઈલેક્ટ્રિક બસો માટે ટેન્ડર બહાર પાડવાની તૈયારી,આ તમામ યોજનાઓ પૂર્ણ થતાં વર્ષ 2027 સુધીમાં શહેરમાં વધુ 1960 નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે
અમદાવાદ
ગ્રીન સિટી અને સ્માર્ટ સિટી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવતા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શહેરે હવે જાહેર પરિવહનમાં ગ્રીન મોબિલિટી તરફ મહત્વપૂર્ણ અને વ્યાપક પગલું ભર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ઈલેક્ટ્રિક બસોના વધતા જતાં ઉપયોગથી પર્યાવરણ સુરક્ષા, ઇંધણ બચત અને નાગરિકોને વધુ સુવિધાજનક સેવા આપવા તરફ મજબૂત દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે.AMC દ્વારા ગ્રીન ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે નવા ઓર્ડર્સ આપવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં કુલ 561 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં AMTS માટે 311 બસો અને BRTS માટે 250 બસોનો સમાવેશ થાય છે. આ તમામ બસોનું સપ્લાય અને ઓપરેશન વર્ષ 2026 દરમિયાન તબક્કાવાર શરૂ થશે.ઉપરાંત, PM E-DRIVE કાર્યક્રમ અંતર્ગત 1000 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને અન્ય 660 ઈલેક્ટ્રીક બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત 300 વધુ ઈલેક્ટ્રિક બસો માટે ટેન્ડર બહાર પાડવાની તૈયારી છે. આ તમામ યોજનાઓ પૂર્ણ થતાં વર્ષ 2027 સુધીમાં શહેરમાં કુલ 1960 નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે. આગામી પાંચ વર્ષમાં AMTS અને BRTS મળીને કુલ 2700 ઈલેક્ટ્રિક બસોનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.હાલમાં શહેરમાં 400 CNG AC બસો કાર્યરત છે અને આ તમામને સાથે રાખીને અમદાવાદમાં કુલ 3100 બસોની ગ્રીન મોબિલિટી ફ્લીટ ઉભી થશે, જે જાહેર પરિવહનમાં શહેરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ આપશે.
પર્યાવરણની દૃષ્ટિએ આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. અંદાજ મુજબ 2030 સુધીમાં શહેરમાં 3000 જેટલી ઈલેક્ટ્રિક બસો કાર્યરત થતાં દૈનિક આશરે 300 ટન અને વાર્ષિક 1.10 લાખ ટન જેટલો GHG (CO2e) ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ સાથે ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે શહેરના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદરૂપ બનશે.આર્થિક રીતે પણ ઈલેક્ટ્રિક બસો લાભદાયી સાબિત થઈ રહી છે. ડીઝલ બસોની સરખામણીએ ઈલેક્ટ્રિક બસોમાં ઓછા મિકેનિકલ પાર્ટ્સ હોવાને કારણે મેન્ટેનન્સ ખર્ચ ઓછો રહે છે અને રિપેરિંગ ઝડપી થાય છે, જેના કારણે ઓપરેશનલ કાર્યક્ષમતા વધે છે અને સમયની બચત થાય છે. આમ, નાગરિકોને વધુ આરામદાયક, સ્વચ્છ અને શાંત મુસાફરીનો અનુભવ મળે છે, જે જાહેર પરિવહન પ્રત્યે આકર્ષણ વધારશે. પરિણામે ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો થવાથી ટ્રાફિક અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.*
આ પહેલ અમદાવાદને વૈશ્વિક સ્તરે ગ્રીન મોબિલિટી મોડેલ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. વિશ્વના મોટા શહેરોની સરખામણીએ અમદાવાદનો આ ગ્રીન ટ્રાન્સપોર્ટ અભિગમ અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે.
*આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને પણ જાહેર પરિવહનને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગોએ અંદાજે 800 થી 1000 બસોની જરૂરિયાત રહેશે, જેને ધ્યાનમાં રાખીને ગ્રીન અને આધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આમ, ગ્રીન મોબિલિટી સજ્જ જાહેર પરિવહન વ્યવસ્થા અમદાવાદના વિકાસને નવી દિશા આપશે અને શહેરને પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસના માર્ગે આગળ વધારશે.અત્રે ઉલ્લેખનીય છેકે, શહેરમાં ઈલેક્ટ્રિક બસ સેવાઓની શરૂઆત વર્ષ 2019માં BRTS પ્રોજેક્ટ હેઠળ 50 ઈલેક્ટ્રિક બસો GCC (Gross Cost Contract) આધારે ફ્લીટમાં સામેલ કરીને થઈ હતી. ત્યારબાદ વર્ષ 2021માં વધુ 150 ઈલેક્ટ્રિક બસો ઓપરેશનમાં મુકવામાં આવી હતી. AMTS દ્વારા 4 ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલમાં અમદાવાદમાં કુલ 204 ઈલેક્ટ્રિક બસો નાગરિકોને સેવા આપી રહી છે.