મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે ક્રૂડ ઓઈલ સપ્લાય પર અસર પડતા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા પર અસર જોવા મળી રહી છે. સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ઓઈલ કંપનીઓએ ડીલરોને મળતી સપ્લાયમાં અંદાજે 50 ટકાનો ઘટાડો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટી જતા કેટલાક પંપ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે.
જેના ડરથી લોકોએ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈન લગાવી રહ્યાં છે. જેના વીડિયો એક પછી એક સામે આવી રહ્યાં છે.
વડોદરામાં ખાનગી પેટ્રોલ પંપ પર સપ્લાય ખોરવાતા અનેક પંપ બંધ જોવા મળ્યા છે, જ્યારે સરકારી પંપ પર સપ્લાય યથાવત ચાલુ છે. જથ્થો મોડો પહોંચતા સ્ટોકમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાહનચાલકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે.
અમદાવાદમાં પણ સ્થિતિ તંગ બની છે. અંજલિ ચાર રસ્તા, મેમનગર, શિવરંજની, વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં કેટલાક પંપ બંધ રહ્યા છે. માનસી ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી. લોકોમાં પેટ્રોલના ભાવ વધશે એવી ભીતિ ફેલાતા વધુ પડતી ભીડ ઉમટી રહી છે. પંપના કર્મચારીઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફેલાયેલા અફવાઓના કારણે લોકો ગભરાઈ રહ્યા છે.
ભરૂચમાં પણ પેટ્રોલ પંપ પર લોકો લાઇનમાં ઉભા રહીને પેટ્રોલ ભરાવી રહ્યા છે. જોકે પેટ્રોલ પંપ સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી. ઓઈલ કંપનીઓએ પણ નિવેદન આપ્યું છે કે સ્થિતિ સામાન્ય છે અને લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ રાખવાની અપીલ કરી છે.