- યુધ્ધની આગમાં પાણી ઉદ્યોગ હોમાયો
- પ્લાસ્ટિકના દાણાના ભાવમાં 70%નો તોતિંગ વધારો: મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે ઈરાનથી આવતા ક્રૂડ ક્ધટેનર અટક્યા: રો-મટીરિયલની અછતને લીધે પાણીની બોટલનું ઉત્પાદન ખર્ચ બમણું થયું
વિશ્વના નકશા પર મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિની સીધી અને માઠી અસર હવે રાજકોટના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગ પર જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલા તણાવને કારણે પાણીની બોટલ બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિકના દાણાના ભાવમાં 60 થી 70 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે. કાચા માલના આસમાને પહોંચેલા ભાવ અને બજારમાં સર્જાયેલી અછતને કારણે સ્થાનિક વોટર પ્લાન્ટ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો પરિસ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં અનેક યુનિટોને કાયમી તાળા લાગી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
સામાન્ય રીતે પાણીની બોટલ તૈયાર કરવા માટે જે પ્લાસ્ટિકના દાણા (રો-મટીરિયલ) વપરાય છે, તેની આયાત મુખ્યત્વે ગલ્ફ દેશોમાંથી કરવામાં આવતી હોય છે. જોકે, હાલમાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે આયાત-નિકાસનો વ્યવહાર ખોરવાયો છે. પ્લાસ્ટિકના દાણા એ ક્રૂડ ઓઈલની બાય-પ્રોડક્ટ છે, અને યુદ્ધના કારણે ઈરાનથી આવતા ક્રૂડના ક્ધટેનર ભારત પહોંચી રહ્યા નથી. સપ્લાય ચેઈન તૂટવાને કારણે ભારતમાં પણ પ્લાસ્ટિકના દાણા બનાવતા 2 થી 3 મોટા યુનિટો હાલ બંધ થઈ ગયા છે, જેને પગલે બજારમાં કાચા માલની ભારે અછત વર્તાઈ રહી છે.
ઉત્પાદન ખર્ચમાં થયેલા અસહ્ય વધારા અંગે વેપારીઓ જણાવી રહ્યા છે કે, પ્લાસ્ટિકના દાણાના ભાવ વધવાને કારણે બોટલ બનાવવાનો ખર્ચ બમણો થઈ ગયો છે. એક તરફ મોંઘવારીનો માર છે અને બીજી તરફ કાચો માલ મળવો મુશ્કેલ બન્યો છે. આ સંજોગોમાં નાના અને મધ્યમ કદના વોટર પ્લાન્ટ ચલાવતા ઉદ્યોગકારો માટે અસ્તિત્વ ટકાવી રાખવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.
પ્લાસ્ટિકના દાણામાંથી બનતી તમામ વસ્તુઓનું ઉત્પાદન હાલ ઠપ્પ: જગતભાઈ (એમડી, બિસ્ટર બેવરેજિસ)
આ ગંભીર સ્થિતિ અંગે બિસ્ટર બેવરેજિસ પ્રા. લી. ના ખઉ જગતભાઈએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “હાલ જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે પાણીની બોટલ બનાવવા માટેના રો-મટીરિયલ એટલે કે પ્લાસ્ટિકના દાણામાં 60 થી 70 ટકા જેટલો ધરખમ વધારો આવ્યો છે, જે વેપારીઓ માટે અસહ્ય છે. આ દાણા ક્રૂડમાંથી બનતા હોય છે, પરંતુ યુદ્ધને કારણે ઈરાનથી ક્રૂડના ક્ધટેનર આવતા બંધ થઈ ગયા છે. શોર્ટ સપ્લાયને કારણે ભારતના પણ બે-ત્રણ મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ થઈ ગયા છે, જેના કારણે રો-મટીરિયલની ભારે અછત સર્જાઈ છે. પ્લાસ્ટિકના દાણામાંથી બનતી તમામ વસ્તુઓનું ઉત્પાદન અત્યારે ઠપ્પ થવા લાગ્યું છે.”
રાજકોટના ઉદ્યોગકારોમાં અત્યારે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે શાંતિ નહીં સ્થપાય અને કાચા માલની સપ્લાય પૂર્વવત નહીં થાય, તો પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે અથવા તો અનેક કારખાનાઓ બંધ થવાને કારણે હજારો લોકોની રોજીરોટી છીનવાઈ.