અમદાવાદના નાગરિકોને નળ – ગટર – રસ્તા જેવી મૂળભૂત સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.: સોનલબેન પટેલ
છેલ્લા ૨૦ વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપ પક્ષે શહેરને વિકાસના નામે માત્ર વિનાશ અને ભ્રષ્ટાચારની ભેટ આપી છે.: હિંમત સિંહ પટેલ
અમદાવાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સામે તોહમતનામું રજૂ કર્યું હતી. ‘ભાજપાપ’ – ભાજપના પાપની પોથીને રજુ કરતા વિધાનસભા વિપક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપની કમિશન – કટકી – કૌભાડ થી કમલમ એમ ટ્રિપલ એન્જિન સરકાર છે. જેમાં અમદાવાદના નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ભાજપના ૨૦ વર્ષ ના ૨૦ ભાજપાપ રજૂ કરવામાં આવ્યા, જેમાં ભાજપના કાર્યકાળમાં બેફામ ભ્રષ્ટાચાર, દર વર્ષે શહેરના રસ્તા વરસાદી પાણીથી સ્વિમિંગ પૂલ બને, નળથી જળ નહીં પણ નળથી ગટર વહાવી,આયોજન વગરની રચનાને લીધે શહેરમાં ટ્રાફિક જામ સહિતની વિકટ પરીસ્થિતિ આરોપનામામાં રજૂ કરવામાં આવી. રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઈમારતો બનશે તેવા બણગા ફૂંકતી ભાજપના રાજમાં માત્ર એક જ બિલ્ડિંગ બની છે જે કોર્પોરેશનનો ઓફિસ છે જેમાં કમિશનરશ્રી બેસે છે જે પરંપરાગત રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ શહેર કોટડા બેસતા હતા હવે નવી જગ્યાના કારણે સામાન્ય નાગરિકોને કમિશનરશ્રી મળવું અશક્ય બન્યું છે. કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલ એસવીપી હોસ્પિટલ અમીરો માટે બનાવામાં આવી હોય તેવો ઘાટ છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ એસવીપીમાં દિવસે દિવસે દર્દીઓની સંખ્યા ઓછ થઈ રહી છે. ખારીકટ કેનાલના વિકાસના નામે મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો. ભાજપમાં ભ્રષ્ટાચારનો બેનમુન નમૂનો હાટકેશ્વર બ્રિજ બનવા અને તોડવા બન્ને માટે અમદાવાદીઓના પરસેવાના રૂપિયા પાણીમાં ગયા છે. ભાજપનો ભ્રષ્ટાચારી ચાલ-ચલન અને ચહેરો નાગરીકો ઓળખી ગયા છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલે જણાવ્યું કે કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં અમદાવાદના નાગરિકોને નળ – ગટર – રસ્તા જેવી મૂળભૂત સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, ભાજપ દ્વારા ટેક્ષમાં સતત વધારો અને ટેક્સની ઢોલ વગાડી ઉઘરાણી થી નાગરિકોનું અપમાનીત કરવામાં આવે છે. સ્મશાન ગૃહ લાકડાની ખરીદીમાં ભ્રષ્ટાચાર , ટાયર અને ગોદડાથી મૃતદેહ બાળી માનવીય મલાજો પણ ભાજપે નથી જાળવ્યો. હાટકેશ્વર બ્રિજ એ ભાજપના ભ્રષ્ટાચારનું મોન્યુમેન્ટ છે. અમદાવાદને શંઘાઇ બનવાના વાયદા જુમલા નીકળ્યા છે. ૧૩ વર્ષમાં વીઆઇપી કલ્ચર જાળવવા બાઉન્સરો અને એજન્સીઓને કરોડો રૂપિયાની લ્હાણી કરાઈ રહી છે. ગરીબ વિરોધી ભાજપ સરકાર સામાન્ય માણસના ઘર પર બુલડોઝર ફેરવી રહી છે, પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે મૌન સેવે છે. ઐતિહાસિક વી.એસ. હોસ્પિટલને ખંડેર બનાવી દેવામાં આવી છે જેથી ખાનગી હોસ્પિટલો કમાઈ શકે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ૨૦ વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપ પક્ષે શહેરને વિકાસના નામે માત્ર વિનાશ અને ભ્રષ્ટાચારની ભેટ આપી છે.જનતાના ટેક્સના પૈસા સીધા ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે. અમદાવાદ હવે ‘સ્માર્ટ સિટી’ મટીને ‘સ્વીમીંગ સિટી’ અને ‘ખાડા કેપિટલ’ બની ગયું છે. બિલ્ડરો માટે સામાન્ય માણસના ઘર પર બુલડોર ફેરવ્યા, વી.એસ. હોસ્પિટલને ખંડેર બનાવી, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી.મ્યુનિસિપલ શાળાઓને જાણીજોઈને ખતમ કરી ખાનગી શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગરીબ બાળકોનું શિક્ષણ ભાજપે ઝૂંટવી લીધું છે.
ભાજપાપ- ભાજપની પાપની પોથીને રજુ કરતી પત્રકાર પરિષદ રાજકોટ, ભાવનગર, બરોડા, સુરત, જામનગર અને અમદાવાદ એમ કુલ ૬ મહાનગરોમાં કરવામાં આવી આવી હતી જેમાં તમામ મહાનગર પાલિકાઓની મૂળ સમસ્યાઓને રજૂ કરતું આરોપનામું પ્રસિદ્ધ કરાયું હતું.રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા તોહમતનામું રજૂ કરવામાં આવ્યું.
ભાવનગર ખાતે એઆઇસીસીના સચિવશ્રી ઋત્વિજભાઈ દ્વારા ભાજપના કુશાસનને રજૂ કરતું આરોપનામું પ્રસિદ્ધ કર્યું હતું.
જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના છેલ્લા કેટલાય વર્ષોના ભ્રષ્ટાચાર, કુસાશન અને જનવિરોધી નીતિઓને ઉજાગર કરતી “ચાર્જશીટ – ભાજપના પાપની પોથી” પૂર્વ ધારાસભ્યશ્રી લલીતભાઈ વસોયા, પૂર્વ સાંસદશ્રી વિક્રમભાઈ માડમ એ રજૂ કર્યું હતું.
વડોદરા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫ વર્ષોના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ વિરૂદ્ધ “આરોપનામું” વડગામના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણીએ
જાહેર કર્યું હતું.સુરત ખાતે વાંસદાના ધારાસભ્યશ્રી અનંત પટેલજીએ ભાજપાપ – આરોપનામું રજૂ કયું હતું.
અમદાવાદની આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કર, પૂર્વ શહેર પ્રમુખશ્રી પંકજ શાહ, શ્રી નીરવ બક્ષી, મેનિફેસ્ટો કમિટીના સભ્યશ્રી એહસાન શેખ, શ્રી ઈલિયાસ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા.
