ઈરાનના સૂર બદલાયા: ‘અમે યુદ્ધ ખતમ કરવા માગીએ છીએ, બસ સુરક્ષાની ગેરન્ટી આપો’

Spread the love

 

મિસાઈલ હુમલાની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પહેલી વાર સંકેત આપ્યા છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની જરુરી ઈચ્છાશક્તિ ધરાવે છે. જો કે આ શાંતિની ઓફર સાથે ઈરાને એક કડક શરત પણ રાખી દીધી છે કે ભવિષ્યના હુમલા વિરુદ્ધ મજબૂત ગેરન્ટી મળે. યૂરોપીય પરિષદના અધ્યક્ષ સાથે ફોન પર થયેલી વાતચીતમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને સ્પષ્ટ કર્યું કે ઈરાન સંઘર્ષને વધારે ખેંચવા નથી માગતું.

તેમણે કહ્યું કે અમે આ જંગને ખતમ કરવા માટે તૈયાર છીએ. શરત એટલી કે અમારી સુરક્ષાની ખાતરી થાય અને ભવિષ્યમાં થનારા આક્રમણોને રોકવાની ગેરન્ટી મળે. પેઝેશ્કિયને ભાર આપ્યો કે કોઈ પણ ડિલ ઈરાની જનતાના હિતો અને સુરક્ષાની ગેરન્ટી વિના સ્વીકાર્ય નથી.

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

ઈરાનની શાંતિની ઓફર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ખૂબ જ આક્રમક છે. ધ ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, અમે હાલમાં તેમને સંપૂર્ણપણે ખતમ કરી રહ્યા છીએ, અમે ત્યાં વધારે સમય સુધી નથી રહેવાના. પણ તેમની વચ્ચે રહેલા અમુક હુમલાખોરોને ખતમ કરવા માટે થોડું કામ બાકી છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે અમેરિકા આ યુદ્ધને લાંબું ખેંચવા નથી માગતું અને જલદી ત્યાંથી બહાર નીકળી જશે.

ભલે વાતચીતની ચર્ચા ચાલી રહી હોય, પણ જમીન પરની હકીકત યુદ્ધ તરફ ઈશારો કરે છે. અમેરિકા એ વિસ્તારમાં હજારો વધારાના સૈનિકો, મરીન યુનિટ્સ અને પેરાટ્રૂપર્સની તૈનાતી કરી દીધી છે. અમેરિકાના રક્ષા સચિવ પીટ હેગસેથે આવનારા દિવસોને ‘નિર્ણાયક’ ગણાવ્યા છે અને જમીન પર સૈનિક મોકલવાની શક્યતા નકારી નથી. ટ્રમ્પે ઈરાનના મહત્વના તેલ કેન્દ્ર ‘ખર્ગ આઇલેન્ડ’ને નિશાન બનાવવા સંકેત આપ્યા છે.

ઈરાનનો પ્રત્યાઘાત: શાંતિ પ્રસ્તાવ નકાર્યો

ઈરાને ગયા અઠવાડિયે ટ્રમ્પના 15-સૂત્રીય શાંતિ પ્રસ્તાવને નકારી દીધો હતો. ભારે નુકસાન છતાં ઈરાનનું શાસન તંત્ર હજી પણ સક્રિય છે. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા થયેલા હવાઈ હુમલાઓ છતાં, તેહરાન પાસે હજી પણ મિસાઇલ અને ડ્રોન દાગવાની ક્ષમતા છે, જે તેની સોદાબાજીની તાકાતને જાળવી રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *