ગૃહિણીઓનું રસોડાનું બજેટ અસ્તવ્યસ્ત : મરચાના ભાવમાં તીખી લાલચોળ તેજી
જુનાગઢમાં છેલ્લા એકાદ માસથી સકરબાગ નજીક મરચા માર્કેટ ખુલી જવા પામી છે, ત્યારે અહીંના વેપારીઓના કહેવા મુજબ મરચામાં આવેલ તોતિંગ ભાવ વધારાના કારણે મહિલાઓ આ વખતે જરૂરિયાત કરતા ઓછું મરચું ખરીદી રહી છે. તેવી જ રીતે દાણાપીઠના મસાલાના વેપારીના જણાવ્યા મુજબ ખાસ કરીને હળદર અને ધાણા તથા જીરૂમાં 30 રૂપિયા કવોલેટી વાઈઝ ભાવ વધારો આવ્યો છે, જે સામાન્ય છે.
પરંતુ મહિલાઓ ભાવ સાંભળી જરૂરિયાત છે એટલે કચવાતા મને હળદર અને રસોડામાં વપરાતા મસાલાઓની ખરીદી કરી રહી છે.
રસોડાની રાણીઓ આ વખતે વર્ષ ભરના મસાલા ભરવા માટે વિચારતી થઈ ગઈ છે. કારણ કે, એક તરફ ઘઉં અને કઠોળ સહિતના ધાન્યો મોંઘા થયા છે અને તેલના ભડકે બળતા ભાવની સાથે આ વર્ષે હળદર, મરચાં, ધાણા, જીરૂ સહિતના મસાલાઓમાં પણ અસહ્ય ભાવ વધારો આવતા મહિલાઓ રસોડાનું બજેટ વિખાઈ જતા થોડી ચિંતિત બની છે. આ વખતે સુકા મરચાના ભાવમાં આવેલ 150 થી લઈને 400 રૂપિયા સુધીના ભાવ વધારા તેમજ હળદર અને ધાણા તથા જીરૂમાં પણ આવેલ ભાવ વધારો સાંભળી આ વર્ષે ચટણી, હળદર, મસાલાની ખરીદી કેટલી અને કેવી કરવી તે અંગે વિચારતી થઈ ગઈ છે.
ગત વર્ષે તીખું કાશ્મીરી મરચું 100 રૂપિયે કિલો મળતું હતું તે આ વર્ષે 350 રૂપિયે કિલો બજારમાં વેચાઈ રહ્યું છે. ગત વર્ષે રૂ. 150 માં વહેચાયેલ ડબી કાશ્મીરી મરચાના આ વખતે 600 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. જ્યારે રેશમ પટ્ટો 350, ડબલ પટ્ટો 400 અને લવિંગિયા મરચા 350 ના ભાવે બજારમાં વેચવા માટે આવ્યા છે, આમ સરેરાશ મરચાની વિવિધ કેવોલેટી પ્રમાણે રૂ. 150 થી લઈને 450 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. આવી જ રીતે મૂળો હળદર ગત વર્ષે રૂ. 200 ની આસપાસ વહેંચાતી હતી તે આ વખતે 220 થી 240 ના ભાવે માર્કેટમાં આવી છે. સેલમ હળદર ગત વર્ષે 220 થી 240 ના ભાવ હતા તેના આ વખતે 260 આસપાસ ભાવ થઈ ગયા છે, આ જ રીતે ઉચ્ચ ગુણવત્તાવાળી લીલો મૂળો અને કેસર હળદર ગત વર્ષે રૂ. 300 માં વહેંચાતી હતી જેના આ વખતે રૂ. 350 જેવો ભાવ બોલાઈ રહ્યો છે. આમ હળદરમાં પણ સરેરાશ 20 થી 40 રૂપિયાનો કિલો એ ભાવ વધારો થયો છે.
