મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક અને ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકની આખરી મહેતલ (અલ્ટીમેટમ) આપી છે, પરંતુ ઈરાન પર આ ધમકીઓની કોઈ જ અસર દેખાતી નથી. રશિયા અને ચીન જેવા મહાસત્તા દેશોના પરોક્ષ ટેકાથી ઈરાન અમેરિકા સામે મક્કમતાથી ઊભું હોવાનું મનાય છે.
આ યુદ્ધ હવે માત્ર હાર-જીતનું નહીં, પરંતુ બંને દેશો માટે પ્રતિષ્ઠા અને અહમનો જંગ બની ગયું છે, જેને કારણે હાલ પૂરતા શાંતિના કોઈ જ અણસાર દેખાઈ રહ્યા નથી.
ઈરાને ફગાવ્યો શાંતિ પ્રસ્તાવ
પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી જેવા દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જ નક્કર સફળતા મળી નથી. ઈરાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણાનો સીધો જ ઇનકાર કરી દીધો છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે અમેરિકાની શરતો પર ક્યારેય આ યુદ્ધનો અંત લાવશે નહીં.
ટ્રમ્પની ખુલ્લી ધમકી અને અપમાનજનક ટિપ્પણીઓ
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું અત્યંત કડક વલણ અપનાવતા ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ખુલ્લી ચેતવણી આપતા લખ્યું કે જો ઈરાન મંગળવારે (7 એપ્રિલ, 2026) રાત્રે 8 વાગ્યા સુધીમાં (ભારતીય સમય મુજબ બુધવાર સવાર સુધીમાં) હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો નિર્ણય નહીં લે, તો ઈરાનમાં એકપણ પાવર પ્લાન્ટ કે પુલ સલામત નહીં રહે. જોકે, આ ભયંકર ધમકી છતાં ઈરાન સહેજ પણ ઝૂક્યું નથી. જેના કારણે ટ્રમ્પ ભારે ગુસ્સે ભરાયા છે અને તેમણે ઈરાન વિરુદ્ધ આકરા અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો છે.
શું ચીન અને રશિયા આપી રહ્યા છે ઈરાનને સાથ?
યુદ્ધ શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને હરાવવા અને તોડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ ઈરાન આ બંને શક્તિશાળી દેશો સામે એકલે હાથે અડીખમ ઊભું છે. રાજદ્વારી વર્તુળોમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે ઈરાનની આ હિંમત પાછળ ચીન અને રશિયાનો છૂપો ટેકો છે. આ વાતને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે રવિવારે (5 એપ્રિલ, 2026) ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે ફોન પર લાંબી વાતચીત કરી. ઈરાને રશિયાને જણાવ્યું કે ઈઝરાયલ અને અમેરિકા તેમના ઔદ્યોગિક વિસ્તારો, ફેક્ટરીઓ, હોસ્પિટલો, શાળાઓ અને પરમાણુ મથકોને નિશાન બનાવી રહ્યા છે, જે આખા વિશ્વની સુરક્ષા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
કેમ નથી આવી રહ્યો યુદ્ધનો અંત?
આ યુદ્ધનો અંત કેમ નથી આવી રહ્યો તે પ્રશ્નનો જવાબ હવે એકદમ સ્પષ્ટ છે: આ લડાઈ હવે વિજય કે પરાજય કરતા પણ વધુ ગૌરવ અને અહમનો પ્રશ્ન બની ગઈ છે. બંને પક્ષો એકબીજા પર હાવી થવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કોઈ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. એક તરફ ટ્રમ્પ સતત ઈરાનને ખતમ કરવાની ધમકીઓ આપી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમની સામે લેવાયેલા કોઈપણ પગલાંનો જડબાતોડ અને યોગ્ય જવાબ આપવામાં આવશે.