જે યુદ્ધ એક દેશની જનતાને આઝાદી અપાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, આજે તે ભયંકર સ્થિતિમાં છે. લોકોની ઊંઘ ઉડી ગઈ છે, તેમને સતત મરવાનો ડર સતાવી રહ્યો છે. આ વચ્ચે ઈરાન અને અમેરિકાને એક પ્રસ્તાવ મળ્યો છે, જેમાં 45 દિવસના યુદ્ધવિરામ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાની વાત કહેવામાં આવી છે, જેથી યુદ્ધ સમાપ્ત કરવાનો રસ્તો કાઢી શકાય.
પશ્ચિમ એશિયાના બે અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રસ્તાવ ઈજિપ્ત, પાકિસ્તાન અને તુર્કીના મધ્યસ્થો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેઓ સંઘર્ષ રોકવાના પ્રયાસોમાં લાગેલા છે. તેમનું માનવું છે કે, 45 દિવસનો આ સમયગાળો બંને દેશો વચ્ચે વ્યાપક વાતચીત માટે પૂરતો સમય આપશે, જેનાથી કાયમી યુદ્ધવિરામ પર સહમતિ બની શકે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ રવિવારે મોડી રાત્રે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને પશ્ચિમ એશિયામાં અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફને મોકલવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકાની આના પર પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ, રોયટર્સના રિપોર્ટ મુજબ, ઈરાને હોર્મુઝ ખોલવાથી લઈને 45 દિવસના કામચલાઉ સીઝફાયર માટે પણ ઇનકાર કરી દીધો છે. ઈરાનના વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું કે, ઈરાનને લાગે છે કે અમેરિકા કાયમી સીઝફાયર કરવા માગતું નથી.
શું છે યુદ્ધવિરામની શરતો?
પ્રથમ તબક્કામાં અંદાજે 45 દિવસનો યુદ્ધવિરામ લાગુ કરવાનો પ્રસ્તાવ છે, જે દરમિયાન કાયમી શાંતિ સમજૂતી પર વાતચીત થશે. જો વાતચીત માટે વધુ સમયની જરૂર હોય, તો આ સીઝફાયરને લંબાવી પણ શકાય છે.
બીજા તબક્કામાં યુદ્ધને સંપૂર્ણપણે ખતમ કરવા માટે અંતિમ સમજૂતી કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવું અને ઈરાનના ઉચ્ચ સ્તરના સમૃદ્ધ યુરેનિયમનો ઉકેલ કાઢવો એ માત્ર અંતિમ સમજૂતી પછી જ શક્ય બનશે.
આ પ્રસ્તાવની શરતોની જાણકારી સૌથી પહેલા સમાચાર વેબસાઇટ એક્સિઓસ દ્વારા આપવામાં આવી હતી. ઈરાનનું કહેવું છે કે, જ્યાં સુધી તેને નાણાકીય વળતર અને ભવિષ્યમાં ફરીથી હુમલા ન થવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી તે લડાઈ ચાલુ રાખશે.
સમજૂતી આટલી સરળ છે?
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધી કોઈ પ્રકારની સમજૂતીની સ્થિતિ બની શકી નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે કોઈ પણ પક્ષ પોતાની શરતોથી પાછળ હટવા તૈયાર નથી. યુદ્ધના 24મા દિવસ સુધી ટ્રમ્પ સમજૂતીના મૂડમાં હતા, પરંતુ ફરી એકવાર તેઓ ખૂબ જ આક્રમક બન્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયે ઈરાનના પુલો અને વીજ પ્લાન્ટો પર બોમ્બમારો કરવાની ધમકી આપી છે. ઈરાન પણ સતત કહી રહ્યું છે કે તે અમેરિકાના ગ્રાઉન્ડ ઓપરેશનની રાહ જોઈ રહ્યું છે.