ટ્રમ્પ વિફર્યા! ડેડલાઈન પહેલા જ ઈરાનના ‘ખાર્ગ આઈલેન્ડ’ પર કર્યો હુમલો, વિશ્વભરમાં તેલની કિંમતો વધે તેવી શક્યતા

Spread the love

 

ગઈકાલે ટ્રમ્પે ડેડલાઇન ખતમ થવા પર ઈરાન પર એક જોરદાર એટેકની ધમકી આપી હતી, પરંતુ તે પહેલા જ ઈરાનની કરોડરજ્જુ ગણાતા ખાર્ગ ટાપુ પર એટેક થઈ ગયો છે. ઈરાનના સૌથી મહત્વના તેલ ડેપો, ખાર્ગ આઈલેન્ડ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે. અલ-અરબી ટીવીના રિપોર્ટ મુજબ, આ હુમલો એટલો ભીષણ હતો કે સમગ્ર ટાપુમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો.

આ ટાપુ ઈરાનના અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે, કારણ કે ઈરાનનું અંદાજે 90% ક્રૂડ ઓઇલ અહીંથી જ નિકાસ થાય છે. આ તાજેતરના હુમલાએ વિશ્વભરના ઊર્જા બજાર અને ડિપ્લોમેટિક કોરિડોરમાં હલચલ મચાવી દીધી છે.

ટ્રમ્પે ઈરાનને સીઝફાયર માટે જે ડેડલાઇન આપી હતી તે 8 એપ્રિલની સવારે 5 વાગ્યે ખતમ થવાની હતી. જોકે, તે પૂરી થાય તે પહેલા જ અમેરિકાએ ઈરાનના ઇકોનોમી પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બોલી દીધો છે. અમેરિકાના આ એટેકના જવાબમાં હવે ઈરાન પણ વળતો પ્રહાર કરી શકે છે. એટલે કે શાંતિ કરારની શક્યતાઓ આગામી કેટલાક અઠવાડિયા સુધી તો નથી દેખાતી. આ એટેકથી ઊભી થયેલી પરિસ્થિતિનો સીધો અર્થ એ છે કે હવે દુનિયામાં તેલની કિંમતો હજુ પણ વધી શકે છે.

ઈરાનનો ખાર્ગ ટાપુ કેમ મહત્વનો?

ખાર્ગ ટાપુ ઈરાન માટે સૌથી મહત્વનું આર્થિક કેન્દ્ર છે. ઈરાનના કુલ ક્રૂડ ઓઇલની નિકાસનો અંદાજે 90% હિસ્સો આ ટાપુ પર બનેલા ટર્મિનલ્સ દ્વારા સમગ્ર વિશ્વમાં મોકલવામાં આવે છે. જો આ ટાપુના સંચાલનમાં કોઈ અવરોધ આવે, તો ઈરાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે.

ભૌગોલિક મહત્વ શું છે?

ઈરાનના કિનારાનો મોટાભાગનો હિસ્સો ઊંડાણ વિનાનો છે, જ્યાં મોટા તેલ ટેન્કરો (VLCC – Very Large Crude Carriers) પહોંચી શકતા નથી. તેનાથી વિપરીત, ખાર્ગ ટાપુની આસપાસ પાણીની ઊંડાઈ ઘણી વધારે છે, જેના કારણે દુનિયાના સૌથી મોટા ટેન્કરો અહીં સરળતાથી લંગર નાખી શકે છે અને તેલ ભરી શકે છે.

ખાર્ગ છે ઈરાનનો તેલ ડેપો

અહીં 30 મિલિયન બેરલથી વધુ તેલ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતી વિશાળ સ્ટોરેજ ટેન્ક છે. ઈરાનના મુખ્ય તેલ ક્ષેત્રોમાંથી પાઇપલાઇનો સીધી આ ટાપુ સુધી આવે છે, જેનાથી તે દેશનું સૌથી મોટું તેલ સંગ્રહ અને લોડિંગ પોઇન્ટ બની જાય છે.

ઈરાનની બાકી રહેલી સેના માટે ખાર્ગનું મહત્વ

આ ટાપુ હોર્મુઝની સામુદ્રધુનીની નજીક છે, જે વૈશ્વિક તેલ વેપારનો મુખ્ય માર્ગ છે. તેની સુરક્ષા માટે ઈરાને અહીં ભારે સૈન્ય તૈનાત કરી રાખ્યું છે. તાજેતરના પ્રાદેશિક તણાવ અને અમેરિકા-ઇઝરાયેલ સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન, આ ટાપુ વારંવાર હેડલાઇન્સમાં રહ્યો છે, કારણ કે તેને નિશાન બનાવવું ઈરાન માટે સૌથી મોટો ફટકો સાબિત થઈ શકે છે.

ખાર્ગની જમીન પર તેલ સિવાય બીજું શું છે?

અહીં 7મી સદીના ખ્રિસ્તી મઠના અવશેષો અને પ્રાચીન અચેમેનિડ શિલાલેખો મળી આવ્યા છે. તેની કુદરતી સુંદરતા અને દુર્લભ હોવાને કારણે તેને ‘પર્સિયન ગલ્ફનો અનાથ મોતી’ પણ કહેવામાં આવે છે. ખાર્ગ ટાપુ ઈરાન માટે માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ તેની સત્તા અને આવકનો સૌથી મોટો સ્તંભ છે. આ જ કારણ છે કે તેને ઈરાનનો સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *