મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટની આશંકા વચ્ચે ભારત સરકારે એક મોટું તેમજ સાવચેતીભર્યું પગલું ભર્યું છે, જેથી સામાન્ય જનતાને ઈંધણની કોઈ અછતનો સામનો ન કરવો પડે. રોઈટર્સના એક અહેવાલ મુજબ, ભારતમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતી ઘરેલું માંગને જોતા સરકારે રિફાઇનરીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ તેમની રિફાઇનરીઓમાં થનારા ‘વાર્ષિક મેન્ટેનન્સ શટડાઉન’ના કામને હાલ પૂરતું ટાળી દે.સામાન્ય રીતે, રિફાઇનરીઓ પોતાના મશીનો અને ઉપકરણોની તપાસ માટે વર્ષમાં એક નિશ્ચિત સમય માટે કામગીરી બંધ રાખે છે, જેને ‘શટડાઉન’ કહેવામાં આવે છે. જો કે, ભારત સરકારે આ શટડાઉનને હાલ પૂરતું રોકી દેવાનો આદેશ આપ્યો છે, જેથી દેશમાં ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની અછત કે મોંઘવારીનો સામનો ન કરવો પડે.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં, ભારત જેવા મોટા ઉપભોક્તા દેશ માટે ઊર્જા સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. રોઈટર્સના રિપોર્ટ અનુસાર, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, દેશના દરેક ખૂણે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના પુરવઠામાં કોઈ અવરોધ ન આવે. જો રિફાઇનરીઓ આ સમયે સમારકામ માટે પોતાના પ્લાન્ટ બંધ કરે, તો બજારમાં ઈંધણનું ઉત્પાદન ઘટી જશે, જેના કારણે કિંમતોમાં ઉછાળો આવવાનો અને અછત વધવાનો ડર રહેશે. સરકારે આ નિર્ણય ‘સપ્લાય સાઇડ’ને મજબૂત રાખવા અને સપ્લાય ચેઈનમાં સંભવિત અવરોધ ટાળવા માટે લીધો છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) જેવી કંપનીઓ ઈંધણની માંગને પહોંચી વળવા માટે તેમની રિફાઇનરીઓમાં થનારા મરામત (મેન્ટેનન્સ શટડાઉન) ના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવી રહ્યું છે. જો કે, નાયરા એનર્જી (Nayara Energy) ની વાડીનાર રિફાઇનરી 9 એપ્રિલથી મરામત માટે બંધ થવા જઈ રહી છે. આ શટડાઉનને કારણે દેશમાં એલપીજી (LPG) ની ઉપલબ્ધતામાં થોડો ઘટાડો થવાની આશંકા છે.