અમેરિકામાં અસાયલમ અપ્રુવ થઈ ગયા બાદ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલો એક પંજાબી યુવક અત્યારસુધી મહિને પંદર હજાર સુધીની આવક ધરાવતો હતો પણ છેલ્લા ઘણા દિવસોથી તે બેકાર છે. કેલિફોર્નિયામાં રહેતા આ યુવકને તેની પત્ની અને બે બાળકોનું પૂરું કરવાની સાથે ટ્રકની લોનનો હપ્તો પણ ભરવાનો છે, પરંતુ આવક બંધ થઈ જતાં તે સખત ભીંસમાં આવી ગયો છે.તેની આ સ્થિતિ માટે ટ્રમ્પ સરકાર જવાબદાર છે અને તેણે આ મામલે કોર્ટમાં કેસ પણ કર્યો છે પરંતુ હજુ સુધી તેને કોઈ રાહત નથી મળી
તેના જેવા જ બીજા એવા ઘણા ઈન્ડિયન્સ છે કે જે અત્યારસુધી અમેરિકામાં ખૂબ જ સારી લાઈફ જીવતા હતા પરંતુ હવે તેમને ઘર ચલાવવાના ફાંફા પડી ગયા છે.
અમેરિકામાં કોઈ સ્ટેટસ વિના રહેતા અને અત્યારસુધી ખૂબ જ સારી કમાણી કરતા હજારો ઈન્ડિયન્સ હાલ મોટી મુસીબતમાં મૂકાઈ ગયા છે. ટ્રકિંગના બિઝનેસમાં કે પછી જોબમાં આ લોકો અત્યારસુધી મહિને કમસેકમ દસેક હજાર ડોલર આરામથી કમાઈ લેતા હતા પરંતુ હવે તેમની પાસે કોઈ કામધંધો નથી બચ્યો. કોલ મેટર્સ નામની એક વેબસાઈટમાં પબ્લિશ થયેલા રિપોર્ટ અનુસાર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આપેલા આદેશ પર કેલિફોર્નિયાએ હજારો ટ્રક ડ્રાઈવર્સના લાઈસન્સ રિવોક કરી નાખતા તેમના માટે હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. લોકોએ પોતાના લાઈસન્સ પાછા મેળવવા માટે મલ્ટિપલ લૉસ્યૂટ્સ પણ ફાઈલ કર્યા છે પરંતુ હજુ સુધી કોર્ટ તરફથી કોઈને પણ રાહત નથી મળી.
કેલિફોર્નિયામાં અત્યારસુધી 13 હજાર જેટલા ટ્રક ડ્રાઈવર્સ પોતાનું લાઈસન્સ ગુમાવી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં વધુ 61 હજારને પોતાનું લાઈસન્સ ગુમાવવું પડશે. આવા તમામ ટ્રક ડ્રાઈવર્સ અસાયલમના કેસવાળા છે કે પછી તેમને DACA હેઠળ ડિપોર્ટેશન સામે પ્રોટેક્શન મળેલું છે. લીગલી જોવા જઈએ તો તેમની પાસે અમેરિકામાં રહેવાનો અને કામ કરવાનો રાઈટ છે પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો આરોપ છે કે આ ટ્રક ડ્રાઈવર્સ ઈંગ્લિશ નથી જાણતા અથવા તો જોખમી રીતે ટ્રક ડ્રાઈવ કરી અમેરિકન્સના જીવ જોખમમાં મૂકે છે.
ખાસ તો 2025માં અમુક પંજાબી ડ્રાઈવર્સે અમેરિકાના અલગ-અલગ સ્ટેટ્સમાં આવા અકસ્માત કર્યા હતા જેમાં ફ્લોરિડા તેમજ કેલિફોર્નિયામાં કુલ છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત કરનારા ડ્રાઈવર્સે ગોલમાલ કરીને ટ્રક ચલાવવાના લાઈસન્સ મેળવ્યા હોવાના પણ જે-તે સમયે આક્ષેપ કરવામાં આવ્યા હતા.
સેન ફ્રાન્સિસ્કો બે એરિયામાં પત્ની અને બે બાળકો સાથે રહેતા એક પંજાબી ટ્રક ડ્રાઈવરે પોતાની હાલની સ્થિતિ અંગે વાત કરતા કૉલ મેટર્સને એવું જણાવ્યું હતું કે પોતે વર્ષોથી અમેરિકામાં ટ્રક ચલાવે છે અને આખાય દેશમાં ફરી ચૂક્યો છે. તેનો અસાયલમનો કેસ પણ અપ્રુવ થઈ ચૂક્યો છે અને તેણે ત્રણ વર્ષ બાદ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કર્યું હતું જે હજુ સુધી તેને નથી મળ્યું. આ પંજાબી યુવક દર મહિને 11થી 16 હજાર ડોલર કમાતો હતો, ચાર વર્ષ પહેલા તેણે પોતાનો ટ્રક ખરીદ્યો હતો જેની લોનનો એક મહિનાનો હપ્તો ત્રણ હજાર ડોલર છે અને મહિને 1500 ડોલર ઈન્શ્યોરન્સમાં જાય છે.
જોકે, માર્ચ 2026માં જ તેનું લાઈસન્સ રિવોક કરી દેવાયું હતું, હાલ તેની પાસે ટેમ્પરરી લાઈસન્સ છે પરંતુ તેના પર તે કાર સિવાય બીજું કોઈ વ્હીકલ ડ્રાઈવ કરી શકે તેમ નથી. આટલું ઓછું હોય તેમ તેની પાસે લાઈસન્સની હાર્ડ કોપી નથી તેમજ તેના પર ફોટો પણ ના હોવાથી કોઈ તેને નોકરીએ રાખવા પણ તૈયાર નથી. હાલ તેની પાસે કોઈ કામ ના હોવાથી તેની પત્ની બેબી સિટિંગનું કામ કરી ઘર ચલાવી રહી છે. જોકે, કેલિફોર્નિયા જેવા મોંઘા સ્ટેટમાં એક માણસની કમાણી પર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે.
અમેરિકામાં કોઈ સ્ટેટસ વિના રહેતા ઈન્ડિયન ટ્રક ડ્રાઈવર્સ વોશિંગ્ટન, કેલિફોર્નિયા તેમજ ન્યૂયોર્ક જેવા સ્ટેટ્સમાંથી લાઈસન્સ કઢાવતા હોય છે અને તેમાંય સૌથી વધારે લાઈસન્સ કેલિફોર્નિયામાંથી ઈશ્યૂ થયા છે. જોકે, સપ્ટેમ્બર 2025માં ઈલીગલ ઈમિગ્રન્ટ્સ પર ભીંસ વધારવાના ભાગરૂપે ટ્રમ્પ સરકારે કેલિફોર્નિયા પર સખ્ત નિયંત્રણો લગાવી દીધા હતા, સ્ટેટ ગવર્મેન્ટે શરૂઆતમાં તો તેનો વિરોધ કર્યો હતો પરંતુ પછી તેણે અનડોક્યુમેન્ટેડ લોકોને કોમર્શિયલ વ્હીકલના લાઈસન્સ ઈશ્યૂ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું.
આ મામલે અલામેડા કાઉન્ટી સુપિરિયર કોર્ટ જજે સ્ટેટને લાઈસન્સ ગુમાવનારા ટ્રકચાલકોને રાહત આપવા માટે આદેશ કર્યો હતો પરંતુ હજુય 13 હજાર જેટલા લાઈસન્સ રિઈશ્યૂ નથી કરી શકાયા. સ્ટેટ ગવર્મેન્ટ એવું કહી રહી છે કે જ્યાં સુધી ફેડરલ ગવર્મેન્ટ સાથે આ અંગે સલાહ મસલત કર્યા બાદ કોઈ કાર્યવાહી થઈ શકશે. જોકે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જરાય મચક આપવા તૈયાર ના હોવાથી કોર્ટના કહ્યા બાદ પણ ટ્રક ડ્રાઈવર્સને કોઈ રાહત નથી મળી રહી.
જેમ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ કન્વિનિયન્સ સ્ટોર્સ, ગેસ સ્ટેશન્સ તેમજ મોટેલના બિઝનેસમાં આગળ છે તેવી જ રીતે પંજાબ અને હરિયાણાના લોકો ટ્રકિંગના ધંધામાં વર્ચસ્વ ધરાવે છે. છેલ્લા ચાર વર્ષમાં ઈલીગલી અમેરિકા ગયેલા મોટાભાગના પંજાબી અને હરિયાણવી યુવકોએ ત્યાં પહોંચતા જ ટ્રક ચલાવવાનું લાઈસન્સ લઈ તગડી કમાણી શરૂ કરી દીધી હતી.
અમેરિકામાં ડોલર છાપતા આ લોકોને જોઈને બીજા ઈન્ડિયન્સ પણ ત્યાં ઈલીગલી જવા માટે પ્રેરાતા હતા. જોકે, ફ્લોરિડામાં ઓગસ્ટ 2025માં હરજિન્દર સિંઘ નામના એક પંજાબીએ ખોટો યૂ-ટર્ન લેવાના ચક્કરમાં એક અકસ્માત કરતાં ત્રણ લોકોનાં મોત થતાં જ ટ્રમ્પ સરકારને ફાવતું મળી ગયું હોય તેમ તમામ ઈમિગ્રન્ટ ટ્રક ડ્રાઈવર્સને ટાર્ગેટ કરવાના શરૂ કરાયા હતા અને મોટાપાયે ધરપકડો પણ કરવામાં આવી હતી અને આ સિલસિલો હજુય ચાલુ જ છે જેમાં ઘણા તો ડિપોર્ટ પણ થઈ ચૂક્યા છે.
