સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય તરીકે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે. કાવ્યા પટેલને વોર્ડ નંબર 3માંથી ઉમેદવારી આપવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અલ્પેશ કથીરિયાએ 2021માં તેમની સાથે સગાઈ કરી હતી, જે સમયે આ સંબંધને લઈને રાજકીય ક્ષેત્રમાં કુતૂહલ સર્જાયું હતું.
અલ્પેશ કથીરિયા વિશે
અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના રહેવાસી છે અને વ્યવસાયે વકીલ છે. તેમણે LLB સુધીનો અભ્યાસ કર્યો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેઓ સક્રિય બન્યા હતા અને 2015માં હાર્દિક પટેલ સાથે જોડાયા હતા. ભાજપની સામે મોટાપાયા પર આંદોલન કર્યું હતું અને તેમાં આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવાનો વારો આવ્યો હતો.
2015ના આંદોલન દરમિયાન થયેલા કેસોમાં 2018માં તેમની ધરપકડ પણ થઈ હતી. બાદમાં 2022માં તેમણે આપમાંથી વિધાનસભા ચૂંટણી લડી અને પછી ભાજપમાં જોડાયા.
ભાજપની ઉમેદવારીમાં મોટા ફેરફારો
ભાજપે આ વખતે ઉમેદવારીમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. આશરે 77 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે લગભગ 30 જેટલા બેઠેલા કોર્પોરેટરોને ફરી તક આપવામાં આવી છે.
મેયર દક્ષેશ માવાણી અને રાજન પટેલ જેવા કેટલાક નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ ટર્મ પૂર્ણ કરનાર અને 60 વર્ષથી વધુ વય ધરાવતા ઉમેદવારોને બહાર રાખવામાં આવ્યા છે.
કયા નેતાઓની ટિકિટ કપાઈ?
પાર્ટીએ વય મર્યાદા અને ટર્મ ક્રાઈટેરિયાને આધારે ઘણા સિનિયર નેતાઓને ટિકિટ આપી નથી. તેમાં રાકેશ માળી, હેમાલી બોઘાવાલા, કેતન મહેતા, દિનેશ જોધાણી, નરેશ ધામેલિયા, કનુ પટેલ, બસુ જગરૂ પટેલ, વિનોદ પટેલ અને નાગર પટેલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 8ના ચિમન પટેલની ટિકિટ પણ કપાઈ ગઈ છે. બેઠકના રોટેશન બદલાવને કારણે કૃણાલ સેલર, કેયુર ચપટવાલા અને નરેન્દ્ર પાંડવ જેવા કોર્પોરેટરોને પણ બહાર થવું પડ્યું છે.
આ વખતે સુરતની ચૂંટણીમાં ભાજપે નવા ચહેરાઓ અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેમાં કાવ્યા પટેલને આપવામાં આવેલી ટિકિટ ખાસ ચર્ચામાં છે.