પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે કારણ કે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ હાલ શાંતિ મંત્રણા કરી રહ્યા છે. પાકિસ્તાના પ્રધાનમંત્રી શહબાજ શરીફે તો આ મંત્રણાને એટલી મહત્વની ગણાવી દીધી છે કે તેને મેક ઓર બ્રેક (કરો યા મરો)વાળી સ્થિતિ ગણાવી છે. તેમના જણાવ્યાં મુજબ આ મંત્રણા સ્થાયી યુદ્ધવિરામની દિશામાં છેલ્લી અને સૌથી મોટી તક છે.
સમગ્ર મિડલ ઈસ્ટની શાંતિ આ બેઠક પર ટકેલી છે. પરંતુ આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો કે અમેરિકા ઈરાનને પૈસા પાછા આપવા માટે તૈયાર થઈ ગયું. જો કે વ્હાઈટ હાઉસે આ દાવો ફગાવ્યો છે.
શું કરવામાં આવ્યો હતો દાવો?
ન્યૂઝ એજન્સી રોયટર્સે ઈરાની સૂત્રોના હવાલે દાવો કર્યો હતો કે અમેરિકા ઈરાનની અન્ય દેશોમાં ફ્રીઝ કરેલી સંપત્તિને રિલીઝ કરવા માટે તૈયાર થઈ ગયું છે.આ પૈસા કતાર અને અન્ય વિદેશી બેંકોમાં જમા છે. જેના બદલામાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોને સુરક્ષિત અવરજવર કરવા દેવાની ખાતરી આપી છે.આ સૂત્રએ અમેરિકા કેટલી સંપત્તિને રિલીઝ કરવા માટે તૈયાર થયું છે તે ન કહ્યું પંરતુ એક અન્ય ઈરાનીયન સૂત્રએ કહ્યું હતું કે અમેરિકા કતારમાં ઈરાનની જે 6 બિલિયન ડોલરનું ફંડ ફ્રીઝ કરેલું છે તે રિલીઝ કરવા માટે તૈયાર થઈ ગયું છે.
વ્હાઈટ હાઉસે અહેવાલ ફગાવ્યો
જો કે વ્હાઈટ હાઉસે શનિવારે આ અહેવાલ ફગાવી દીધો. જેમાં દાવો કરાયો હતો કે અમેરિકાએ વિદેશી બેંકોમાં જમા ઈરાનના ફ્રીઝ સંપત્તિઓને રિલીઝ કરવાની સહમતિ આપી છે. બીજી બાજુ કતારના વિદેશ મંત્રાલય તરફથી તેના પર કોઈ તત્કાળ પ્રતિક્રિયા આવી નથી.
ક્યારે ફ્રીઝ કરાઈ હતી સંપત્તિ
ઈરાનના ફંડ્સને પહેલીવાર 2018માં ફ્રીઝ કરાઈ હતી. ત્યારે અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ઈરાન પર ફરીથી પ્રતિબંધ લગાવ્યા હતા અને ઈરાન સાથેની પરમાણું સમજૂતિમાંથી બહાર નીકળી ગયું હતું. ઈરાનને આ પૈસા દક્ષિણ કોરિયને કરાયેલી ઓઈલ નિકાસથી મળ્યા હતા અને દક્ષિણ કોરિયન બેંકોના ખાતામાં રખાયા હતા. વર્ષ 2023માં આ ફંડ્સને કતારના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા હતા. આ પગલું દોહાની મધ્યસ્થતામાં અમેરિકા ઈરાન વચ્ચે કેદીઓની અદલાબદલી સમજૂતિનો ભાગ હતો. જે હેઠળ ઈરાનમાં કસ્ટડીમાં રખાયેલા પાંચ અમેરિકી નાગરિકોને છોડી મૂકાયા હતા. જેના બદલામાં અમેરિકામાં બંધ પાંચ ઈરાની નાગરિકોના છૂટકારા અને ફંડ્સની ટ્રાન્સફર પર સહમતિ બની હતી.
તે સમયે અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ રકમનો ઉપયોગ ફક્ત માનવીય હેતુઓ જેમ કે ભોજન, દવાઓ, મેડિકલ સાધનો, અને કૃષિ ઉત્પાદનો માટે થઈ શકશે અને તે અમેરિકી ટ્રેઝરીની નિગરાણીમાં થશે. જો કે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારે ફરીથી આ ફંડ્સ ફ્રીઝ કર્યા હતા.
ઈરાને મૂકી હતી શરતો
અત્રે જણાવવાનું કે શાંતિ મંત્રણા શરૂ થઈ તે પહેલા ઈરાને અમેરિકા સમક્ષ 2 ડિમાન્ડ કરી હતી. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સોશિયલ મીડયા પર કહ્યું હતું કે વાતચીત પહેલા બે શરતો પૂરી થવી જોઈએ. જેમાં પહેલી એ હતી કે લેબનોનમાં ઈઝરાયેલ હુમલા બંધ કરે અને બીજી અમેરિકા તરફથી ફ્રીઝ કરાયેલા ઈરાનના અબજો ડોલરની સંપત્તિને તાબડતોબ રિલીઝ કરે. આ શરતો પૂરી ન થાય ત્યાં સુધી વાતચીતનો કોઈ અર્થ નથી.
ઈસ્લામાબાદમાં આજથી શાંતિ મંત્રણા
અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા થઈ રહી છે. આ બેઠકમાં અમેરિકાની ટીમનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરી રહ્યા છે. જ્યારે ઈરાની ટીમની કમાન તેમની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફના હાથમાં છે. બંને ટીમો ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. ઈરાનની ન્યૂઝ એજન્સી મેહરના જણાવ્યાં મુજબ મુખ્ય વાતચીત શરૂ થતા પહેલા અમેરિકા અને ઈરાન બંને ટીમો પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફને અલગ અલગ મળશે.
બેઠક સત્તાવાર રીતે ક્યારે શરૂ થશે તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નિમ મુજબ ઈરાની ટીમ બપોરે લગભગ 1 વાગે પીએમ શરીફને મળી હતી. અમેરિકી ચેનલ સીએનએનએ કહ્યું હતું કે આ વાતચીત અનેક દિવસો સુધી ચાલુ રહી શકે છે. પરંતુ તસ્નિમે આ દાવાને ફગાવતા કહ્યું કે યોજના મુજબ આ બેઠક ફક્ત એક દિવસ ચાલે તેવી શક્યતા છે.
પાકિસ્તાનની ભૂમિકા અને તૈયારી
અમેરિકા અને ઈરાનને વાતચીતના ટેબલે લાવવામાં પાકિસ્તાને મોટી ભૂમિકા ભજવી છે. AFPના જણાવ્યાં મુજબ પાકિસ્તાને નેવિગેશન, પરમાણુ મુદ્દાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચામાં મદદ કરવા માટે વિશેષજ્ઞોની એક ખાસ ટીમ બનાવી છે. પાકિસ્તાની પીએમ શહબાજ શરીફે આ વાતચીતની ગંભીરતાને સમજતા તેને ખુબ જ મુશ્કેલ સમય ગણાવ્યો છે. કરો કે મરોની સ્થિતિ ગણાવી છે.