અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી બે નિર્દોષ બાળકીઓના મોતની ઘટના હવે રહસ્યમય બની ગઈ છે. શરૂઆતમાં પરિવાર દ્વારા ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ તબિયત બગડ્યાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને આ દલીલ શરૂઆતથી જ શંકાસ્પદ લાગી રહી છે.
તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે માતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળી આવ્યું.
આ સાથે જ પોલીસે ઘરમાંથી અનાજમાં નાંખવાની ઝેરી દવા પણ જપ્ત કરી છે. મહત્વની વાત એ છે કે આ દવા પિતા વિમલ પ્રજાપતિએ 27મી માર્ચે ખરીદી હોવાની માહિતી મળી છે.
શું થયા ખુલાસા?
માતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું
ઘરમાંથી અનાજમાં નાંખવાની ઝેરી દવા જપ્ત કરવામાં આવી
દવા પિતા વિમલ પ્રજાપતિએ 27મી માર્ચે ખરીદી હોવાની માહિતી
તપાસમાં પોલીસને એક ડાયરી પણ મળી આવી છે…જે બાળકીની માતા ભાવના પ્રજાપતિની હોવાનું સામે આવ્યું છે. આ ડાયરીમાં દીકરાના જન્મ માટે કરેલી પ્રાર્થના અને રાખેલી માનતાનો ઉલ્લેખ મળ્યો છે. આ મુદ્દો હવે તપાસમાં મહત્વનો ભાગ બની ગયો છે.
ડાયરીમાં દીકરાના જન્મ માટે કરેલી પ્રાર્થના, માનતાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. બીજી તરફ સારવાર લઈ રહેલા માતા-પિતા સતત એ જ દાવો કરી રહ્યા છે કે ખીરુ ખાધા બાદ જ તબિયત બગડી હતી. પરંતુ પોલીસને આ એકસરખું નિવેદન માન્ય નથી લાગી રહ્યું અને એ પાછળ કોઈ મોટું રહસ્ય હોવાની શંકા મજબૂત બની રહી છે.
પોલીસે અત્યાર સુધીમાં લગભગ 25 જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. સાથે જ માતા-પિતાના મોબાઇલની કોલ ડિટેઇલ્સ પણ તપાસ હેઠળ છે. દરેક કડીને જોડીને પોલીસે કેસ ઉકેલવાનો પ્રયાસ તેજ કર્યો છે.
હાલ સમગ્ર કેસનો આધાર FSL રિપોર્ટ પર ટકેલો છે. પોલીસનો દાવો છે કે રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે અને કેસની ગૂંથણ ટૂંક સમયમાં ઉકેલી દેવામાં આવશે. હાલ સમગ્ર કેસનો આધાર FSL રિપોર્ટ પર ટકેલો છે
હાલ માટે આ કેસમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે… શું આ દુર્ઘટના છે કે પાછળ કોઈ ગંભીર સાજિશ છુપાયેલી છે?, સચ્ચાઈ તો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે…