મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદ ખાતે આજથી મહત્વપૂર્ણ શાંતિ વાર્તા શરૂ થઈ રહી છે. આ બેઠક માટે બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં ચાલી રહેલી શાંતિ મંત્રણામાં એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં અમેરિકા કતાર સહિત વિવિધ વિદેશી બેંકોમાં ફસાયેલા ઈરાનના નાણાં મુક્ત કરવા સંમત થયું છે.
આ સમજૂતીના બદલામાં, ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજોની સુરક્ષા અને અવરજવર સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે. તેહરાન આ પગલાને અમેરિકાની સદ્ભાવના અને શાંતિ પ્રક્રિયા પ્રત્યેની ગંભીરતા તરીકે જોઈ રહ્યું છે, જેનાથી વૈશ્વિક ઊર્જા પુરવઠો અને દરિયાઈ સુરક્ષા પર હકારાત્મક અસર પડવાની શક્યતા છે.
ઈસ્લામાબાદની કિલ્લેબંધી : અમેરિકા-ઈરાનના પ્રતિનિધિમંડળ પહોંચ્યા
અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી મહત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી અનુસાર, સુરક્ષાના કારણોસર સંસદ ભવન, સરકારી કચેરીઓ અને વિદેશી દૂતાવાસો ધરાવતા ‘રેડ ઝોન’ વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી દેવાયા છે. ઈરાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ, જેનું નેતૃત્વ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે, તે શુક્રવારે જ ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે અને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.