નરેશ ગોયલ કેસ, મહિલાઓને અભદ્ર વીડિયો મોકલાયાના નામે વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ 1.43 કરોડ પડાવ્યા

Spread the love
ગોતા વિસ્તારમાં રહેતા વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે. ગઠિયાઓએ TRAIના નામે ફોન કરીને વૃદ્ધના ડોક્યુમેન્ટ પર લીધેલો નંબર મુંબઇમાં રજિસ્ટર્ડ થયો છે અને તેના મારફતે મહિલાઓને અશ્લીલ વીડિયો મોકલવામાં આવે છે કહીને ડર ઊભો કર્યો હતો. બાદમાં વૃદ્ધને ગુનેગાર કહીને બોમ્બે સાયબર ક્રાઇમના નામે ડર બતાવીને ગઠિયાએ સતત આઠ દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.

નરેશ ગોયલ કેસમાં તમારા નામના એટીએમ કોર્ડનો ઉપયોગ થયો હોવાનું કહીને વૃદ્ધને ધરપકડ અને જજનો ડર બતાવ્યો હતો. બાદમાં ગઠિયાઓએ આ વૃદ્ધના રોકાણની વિગતો મેળવીને 45 વર્ષમાં ખરીદેલા તમામ શેર વેચાવીને 1.43 કરોડ પડાવી લીધા હતા. બેંકમાં જઇને તપાસ કરાતા ડિજિટલ એરેસ્ટની જાણ થતાં આ મામલે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

ગોતામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને તા.2 એપ્રિલે TRAIના નામે ફોન આવ્યો હતો. ફોન કરનારે શખ્સે તમારા આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને એક મોબાઇલ નંબર બોમ્બેમાં રજિસ્ટર્ડ થયો હોવાનું કહીને વૃદ્ધ સાથે વાત શરૂ કરી હતી. સાથે સાથે તે નંબરના ઉપયોગથી મહિલાઓને અશ્લીલ વીડિયો મોકલાયા હોવાથી તમારા મોબાઇલ નંબરનો દુરુપયોગ થયો હોવાનું કહી તમે ગુનેગાર છો તેમ જણાવી ડર ઊભો કર્યો હતો. જેથી વૃદ્ધે આ નંબર તેમનો ન હોવાથી બ્લોક કરી દેવાનું કહેતા ગઠિયાએ બોમ્બે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ ઇન્વેસ્ટિગેશનની એપ્લિકેશનમાં નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં મારું બેંક એકાઉન્ટ સામેલ છે, મારું મુંબઇ કેનેરા બેંકમાં બેંક એકાઉન્ટ છે જે મેં ખોલાવેલ નથી કોઇ ગુનેગારોએ મારો પર્સનલ ડેટા યુઝ કરીને ખોલાવેલ છે તેવી અરજી લખાવીને મુંબઇ સાયબર ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિજય ખન્નાના નંબર પર ફોટો પાડીને મોકલાવી હતી. જે બાદ વિજય ખન્ના નામના શખ્સે વીડિયો કોલ કર્યો હતો. ફોન કરનાર શખ્સે પોતાનો ચહેરો ન બતાવીને પ્રોટોકોલના નામે માત્ર એજન્સીનો લોગો બતાવ્યો હતો. તેણે વૃદ્ધના નામનું આધારકાર્ડ, એટીએમ કાર્ડ બતાવ્યું હતું. જે ડોક્યુમેન્ટ પર બોમ્બે ખાતે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે અને છોકરીઓને ખોટા અશ્લીલ ફોટો મોકલીને ફોન કરે છે તેવું કહીને વૃદ્ધને ડરાવ્યા હતા. સાથે સાથે નરેશ ગોયલ કેસમાં 247 એટીએમ કાર્ડ મળ્યા છે જેમાં તમારું કેનેરા બેંકનું એટીએમ કાર્ડ મની લોન્ડરિંગમાં ઉપયોગ થયું હોવાનું કહીને બે કરોડના 10 ટકા લેખે 20 લાખ કમિશન આપ્યું હોવાનો આક્ષેપ કરીને ધરપકડ કરવાની વાત કરી હતી.

બાદમાં ગઠિયાએ કેનેરા બેંકે 538 કરોડનું ફ્રોડ થયું હોવાનું જણાવ્યું છે તેમ કહીને વૃદ્ધના નામે થયેલી FIRની નકલ બતાવીને વોટ્સએપ પર મોકલી આપી હતી. બાદમાં બેંક એકાઉન્ટ સીઝ થઇ જશે અને તમને જેલ થશે તેવી ધમકી આપીને બનાવટી એરેસ્ટ ઓર્ડર, કોર્ટના બનાવટી પત્ર મોકલ્યા હતા. બાદમાં સીબીઆઇ ઓફિસરના નામની ધમકી આપીને કેટલું રોકાણ છે તેની વિગતો મેળવી હતી. વૃદ્ધે 45 વર્ષમાં ખરીદેલા શેર અને બેંક એકાઉન્ટની માહિતી આપી દીધી હતી. આ દરમિયાનમાં આરોપીઓએ શેર વેચવા પડશે તેમ કહીને કુલ 1.43 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે બાદ ગઠિયાઓ સાથે સંપર્ક ન થતાં વૃદ્ધે ભત્રીજાના દીકરાને જાણ કરતા સમગ્ર ડિજિટલ એરેસ્ટનો મામલો સામે આવતા સાયબર ક્રાઇમે આ મામલે તપાસ આરંભી છે.

 

3 દિવસ રજા બાદ વૃદ્ધને બેંકમાં મોકલ્યા

 

વૃદ્ધે 1.36 કરોડના શેરની વિગતો ગઠિયાઓને આપી હતી. પરંતુ ગુડ ફ્રાઇડે અને શનિ- રવિ હોવાથી શેર ન વેચી શક્તા ગઠિયાઓએ સોમવારે ફોન કર્યો હતો. આ દરમિયાનમાં વૃદ્ધને સતત મોનિટરિંગ કર્યા હતા. ગત તા. 7મીએ શેર વેચવા પડશે અને તે રકમ તમારા ખાતામાં આવ્યા બાદ અમને જાણ કરવી પડશે જેથી નરેશ ગોયલના ફ્રોડ કેસમાં વપરાયેલી નોટોના સિરિયલ નંબરથી રકમ ચેક કરીશું તેમ કહીને નાણાં પડાવ્યા હતા.

 

ઇન્ટરનેટ ડેટા પૂરો થતાં પત્નીના નંબર પર ફોન કર્યો

 

વૃદ્ધે 45 વર્ષમાં ખરીદેલા શેર વેચી નાખીને 93.96 લાખ ખાતામાં મેળવ્યા હતા. જ્યારે પત્નીના ખાતામાં 42.22 લાખ આવ્યા હતા. જેના ફોટો ડિજિટલ એરેસ્ટ કરનારને મોકલી આપ્યા હતા. જે બાદ વૃદ્ધની પત્નીએ અન્ય નાણાં સંયુક્ત ખાતામાં નાખ્યા હતા. બાદમાં ગઠિયાઓએ તા.9મીએ સીબીઆઇ ડિરેક્ટર સાથે મીટિંગ હોવાનું કહીને સુપ્રીમ કોર્ટે આપેલા આરબીઆઇના પબ્લિક ફંડ બેંક એકાઉન્ટમાં 1.43 કરોડ ટ્રાન્સફર કરાવીને ચેકિંગ બાદ 48થી 72 કલાકમાં રકમ પરત આપી દઇશું તેમ કહીને ઠગાઇ આચરી હતી. જ્યારે વૃદ્ધના સીમકાર્ડનો ડેટા પૂરો થઇ ગયો ત્યારે શખ્સોએ વૃદ્ધની પત્નીના નંબર પર ફોન કર્યો હતો.

 

બેંક પૂછે તો દીકરાને રકમ આપવાનું કહેજો…

 

સાયબર ક્રાઇમે બેંક સાથે મળીને કોઇ પણ વ્યક્તિ મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરે અને શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. ગઠિયાઓએ સાયબર ક્રાઇમના અભિયાન પર પણ પાણી ફેરવ્યું છે. જ્યારે વૃદ્ધને નાણાં ટ્રાન્સફર કરવા બેંકમાં મોકલ્યા ત્યારે ગઠિયાઓએ બેંક દ્વારા આટલી મોટી રકમના વ્યવહાર બાબતે ફ્રોડનું પૂછે તો દીકરાને રકમ આપવાની છે તેવું કહેવાની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *