ચૂંટણીના માહોલમાં સુરતના આપ નેતા સામે રેપની ફરિયાદ: રાજકિય ષડયંત્ર કે પછી..?

Spread the love

 

ગુજરાતભરમાં ચૂંટણીના માહોલ વચ્ચે સુરત શહેરનાં લસકાણા વિસ્તારમાં એક રાજકીય ચહેરા સામે દુષ્કર્મના ગંભીર આક્ષેપો ઉઠતા આ મામલો હાલ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા પ્રવક્તા કાળુ વઘાસિયા વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ મામલો સામે આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે અને લોકોમાં પણ આ અંગે ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, પીડિત મહિલા અને આરોપી AAP નેતા કાળું વઘાસિયા વચ્ચે બે વર્ષ અગાઉ ડિસેમ્બર 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીતથી શરૂ થયી હતી અને બાદમાં સામાન્ય ઓળખાણ ધીમે ધીમે નજીકના સંબંધમાં ફેરવાઈ હતી. કાળું વઘાસિયાએ પોતાની ઓળખ અને રાજકીય અસરનો ઉપયોગ કરી મહિલાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાના આક્ષેપ પ્રમાણે, આરોપી આપ નેતાએ ફરિયાદી યુવતી સાથે પોતાના અંગત જીવન અંગે દયા પેદા કરે તેવી વાતો કરી હતી. કાળું વધાસિયાએ જણાવ્યું હતું કે, તે પોતાની પત્ની સાથે ખુશ નથી અને ટૂંક સમયમાં છૂટાછેડા લઈ લેશે. આ સાથે તેણે મહિલાને લગ્નનો વિશ્વાસ આપીને તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલાએ આ વાતો પર વિશ્વાસ મૂકતા બંને વચ્ચે નજીકતા વધતી ગઈ હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપી કાળું વધાસિયાએ મહિલાને પોતાના નિવાસસ્થાને તેમજ શહેરની વિવિધ હોટલોમાં લઈ જઈ વારંવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાનો આરોપ છે કે આ બધું લગ્નના ખોટા વાયદા હેઠળ કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી આ સ્થિતિ ચાલતી રહી, પરંતુ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ શરૂ કર્યું ત્યારે આરોપીએ પોતાનો ઇનકાર વ્યક્ત કર્યો હતો.

આક્ષેપો અનુસાર, લગ્ન અંગે વાત કરતાં આરોપી કાળું વધાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને અપશબ્દો કહી ધમકીઓ આપી હતી. તેણે જણાવ્યું હતું કે જો મહિલાએ પોલીસમાં ફરિયાદ કરશે તો તે પોતાને નુકસાન પહોંચાડશે અને મહિલાને તથા તેના પરિવારને પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે. જોકે આ સમગ્ર ઘટનાથી કંટાળીને ભયભીત બનેલી મહિલાએ અંતે લસકાણા પોલીસ સ્ટેશનનો સહારો લીધો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે દુષ્કર્મ અને ધમકી આપવાના ગુનામાં કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

હાલ આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આરોપી આપ નેતા કાળું વધાસિયા સામે પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી ચાલું છે. આ બાબતે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે અને કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ ચૂંટણી ટાંણે જ આપ નેતા પર દૂષ્કર્મની ફરિયાદ નોંધાતા આ મામલે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે અને આ મામલ હાલ રાજકિય માહોલ ગરમાયો છે. હવે આ કિસ્સામાં આગામી સમયમાં શું નવો વળાંક આવે છે એ જોવું રહ્યું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *