ચુટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે ચૂંટણી પંચે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. હવેથી આદર્શ આચારસંહિતાના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આચારસંહિતાનો ભંગ કરનાર ઉમેદવાર કે પક્ષને પંચ દ્વારા નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવતો હતો, પરંતુ હવે તે પ્રથા બંધ કરી સીધી કાનૂની કાર્યવાહી એટલે કે FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નોટિસ પ્રથા કેમ બંધ કરાઈ?
ચૂંટણી પંચના અવલોકન મુજબ, અગાઉની નોટિસ અને ચેતવણી આપવાની પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લેતી હતી. ઘણીવાર નોટિસનો જવાબ આવે ત્યાં સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હતી, જેને કારણે આચારસંહિતાનો ભંગ કરનારાઓ સામે અસરકારક પગલાં ભરી શકાતા નહોતા. નોટિસ અને ચેતવણીરૂપ પગલાં બેઅસર સાબિત થતા પંચે હવે સીધી કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે.
નવી વ્યવસ્થાથી શું બદલાશે?
નવા નિયમ મુજબ, જો કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરશે, તો ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના સીધી પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવશે. આ પગલાથી કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત થશે અને ગેરરીતિ કરનારાઓ પર લગામ લગાવી શકાશે. ચૂંટણી પંચના આ આકરા વલણને કારણે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હવે પ્રચાર દરમિયાન શિસ્ત જાળવવી અનિવાર્ય બનશે.