
જોકે ઈરાની સેનાએ તુરંત ત્યાં આવતાં જ બંને સામ-સામે આવી ગયા હતા. અહેવાલો મુજબ, અમેરિકી નૌસેનાના બે ગાઈડેડ-મિસાઇલ વિધ્વંસક જહાજો હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ જ દરમિયાન ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ જહાજોને કડક ચેતવણી આપી હતી.
ત્યાં એક સામાન્ય જહાજ પણ હતું, જેમાં ઈરાની સેનાનો રેડિયો મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યો છે. તે મુજબ સેનાએ યુએસ જહાજોને કહ્યું હતું કે, ‘પરત જતા રહો, નહીં તો હુમલો કરી દઈશું. અમે છેલ્લી ચેતવણી આપી રહ્યા છીએ, આ અમારી છેલ્લી ચેતવણી છે…’
ચેતવણી બાદ અમેરિકાએ જવાબ આપ્યો કે, ‘અમારા જહાજો આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જળમાર્ગમાંથી પસાર થઈ રહ્યા છે, અમે કોઈને પડકાર ફેંકવાના ઈરાદે આવ્યા નથી. અમે યુદ્ધવિરામના નિયમોનું પાલન કરીશું.’ રિપોર્ટ મુજબ અમેરિકા બંને યુદ્ધ જહાજો કોઈપણ ઘર્ષણ વગર હોર્મુઝ પાર કરવામાં સફળ થયા છે. જોકે લગભગ છ અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકન યુદ્ધ જહાજો જળમાર્ગથી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, તેવું પહેલીવાર બન્યું છે. અગાઉ ઈરાને હોર્મુઝને બંધ કરી દીધું હતું.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, બે યુદ્ધ જહાજે (યુએસએસ ફ્રૈંક ઈ પીટરસન અને યુએસએસ માઈકલ મર્ફી) વેપાર માટે સમુદ્ર માર્ગ ફરી ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પાણીની અંદર ડ્રોન તહેનાત કરીને હોર્મુઝમાં ઈરાને બિછાવેલી વિસ્ફોટક સુરંગોને હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
કમાન્ડર એડમિરલ બ્રૈડ કૂપરે કહ્યું કે, કોમર્શિયલ જહાજો માટે અમેરિકા નવો સુરક્ષિત રસ્તો તૈયાર કરી રહ્યો છે, જે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકા હોર્મુઝ પર ઈરાનના નિયંત્રણનો અસ્વિકાર કરે છે.