ખાનગી હોસ્પિટલની ખુલી પોલ: ‘સારવારના નામે લૂંટ.’, જોઈનિંગના પહેલા જ દિવસે મહિલા ડોક્ટરે નોકરી છોડી

Spread the love

 

સામાન્ય રીતે ડોક્ટરોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ ચંદીગઢની એક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટનાએ સ્વાસ્થ્ય સેવાઓના (scam in Private hospital exposed)નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. ફિઝિશિયન ડો. પ્રભલીન કૌરે નોકરીના પહેલા જ દિવસે હોસ્પિટલના અનૈતિક વલણને જોઈને રાજીનામું આપી દીધું હતું.

તેમનો આક્ષેપ છે કે હોસ્પિટલ મેનેજમેન્ટ દર્દીઓને સારવારના બદલે લૂંટવાનું સાધન સમજી રહ્યું હતું.

મેનેજમેન્ટનો ટાર્ગેટ: દર્દીઓને બિનજરૂરી ICUમાં રાખવા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં ડો. પ્રભલીન કૌરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે હોસ્પિટલના માલિક, જે પોતે ગાયનેકોલોજિસ્ટ છે, તેઓ નક્કી કરતા હતા કે કયા દર્દીને ક્યાં દાખલ કરવા. હોસ્પિટલ દ્વારા ડોક્ટર પર એવું દબાણ કરવામાં આવતું હતું કે દર્દીને બિનજરૂરી રીતે લાંબા સમય સુધી ICUમાં રાખવામાં આવે જેથી બિલ વધારી શકાય. ડોક્ટરે સ્પષ્ટ કર્યું કે દર્દીની સ્થિતિ જોઈને ICUની જરૂરિયાત નક્કી કરવાનો હક ફિઝિશિયનનો હોય છે, પરંતુ અહીં મેનેજમેન્ટ માત્ર કમાણી પર ધ્યાન આપી રહ્યું હતું.

“મારી સહી અને ફાયદો તેમનો”: ડોક્ટરનો આક્રોશ
ડો. પ્રભલીને કહ્યું, “હોસ્પિટલ ગેરરીતિ કરતી હતી, પરંતુ ફાઇલ પર સહી મારે કરવાની હતી. એટલે કે બદનામી મારી થાય અને આર્થિક ફાયદો હોસ્પિટલને મળે. મેં નક્કી કર્યું કે હું કોઈને મારા ખભા પર બંદૂક રાખીને ચલાવવા નહીં દઉં.” તેમણે વધુમાં ઉમેર્યું કે આવા ગણ્યા-ગાંઠ્યા લોકોના કારણે જ સમગ્ર ડોક્ટર બિરાદરીએ બદનામ થવું પડે છે. જ્યારે લોકોએ હોસ્પિટલનું નામ પૂછ્યું, ત્યારે તેમણે લાચારી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ એટલા શ્રીમંત કે રાજકીય વગ ધરાવતા નથી કે તે હોસ્પિટલ સામે કાયદેસર લડી શકે, પરંતુ તેઓ સત્ય કહેતા અટકશે નહીં.

હ્યુમન રાઈટ્સ કમિશન અને પદ્મશ્રી જતિંદર સિંઘનો ટેકો
આ બહાદુર ડોક્ટરના સમર્થનમાં પંજાબ અને ચંદીગઢ હ્યુમન રાઈટ્સ કમિશનના સભ્ય અને પદ્મશ્રી જતિંદર સિંઘ શંટી આગળ આવ્યા છે. તેમણે ડો. પ્રભલીનની હિંમતને બિરદાવતા કહ્યું કે, “આજકાલની ખાનગી હોસ્પિટલો સેવાના કેન્દ્રો મટીને લક્ઝરી હોટલ જેવી બની ગઈ છે. મોટા ઉદ્યોગપતિઓ ડોક્ટરોને ટાર્ગેટ આપે છે અને માનવતાના નામે લૂંટ ચલાવે છે.” આ ઘટના બાદ પ્રશાસન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું આવી હોસ્પિટલો પર કોઈ દેખરેખ રાખનાર નથી?

ડોક્ટર બિરાદરીને ખાસ અપીલ
ચંદીગઢમાં જ પોતાનું ક્લિનિક ચલાવતા ડો. પ્રભલીને અન્ય ડોક્ટરોને પણ અપીલ કરી છે કે મેનેજમેન્ટના દબાણમાં આવીને પોતાની નૈતિકતા સાથે ક્યારેય સમાધાન ન કરવું. આ વ્યવસાય વિશ્વાસ અને પ્રામાણિકતા પર ટકેલો છે. જોકે, આ ગંભીર આક્ષેપો સામે જે-તે હોસ્પિટલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *