Ahmedabad Analog Paneer: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) તંત્રના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચાલતા ખાદ્યપદાર્થોના એકમો પર મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ગત 12 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા ચેકિંગમાં એક મોટો ખુલાસો થયો છે. શહેરના 11 જેટલા જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોને અસલી પનીરની જગ્યાએ ‘એનાલોગ’ પીરસીને છેતરપિંડી કરતા ઝડપાયા છે.
મનપાએ કુલ 3.26 લાખનો દંડ ફટકાર્યો
અમદાવાદ મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે હાથ ધરાયેલી આ કામગીરીમાં દૂધ અને દૂધની બનાવટો, આઈસ્ક્રીમ, બેકરી પ્રોડક્ટ્સ, મીઠાઈ, શેરડીનો રસ, ફરસાણ, ખાદ્યતેલ અને પાણીપુરીના પાણી સહિત કુલ 250 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા નિયમોનું પાલન ન કરતા અને અપ્રમાણિત જાહેર થયેલા એકમો પાસેથી મ્યુનિસિપલ વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. 3,26,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ 11 એકમો એનાલોગ વાપરતા ઝડપાયા
AMC ફૂડ વિભાગના રિપોર્ટ મુજબ, શહેરમાં 11 જેટલા એકમો ગ્રાહકોને પનીરના નામે એનાલોગ પીરસતા ઝડપાયા છે.
પટેલ ડેરી- મહાવીરનગર, ઇન્ડિયા કોલોની
શ્રીનાથજી ભોજનાલય- રામેશ્વર એસ્ટેટ, બાપુનગર
જય અંબે ભોજનાલય- બાપુનગર
જય ગુરુદેવ ભાજીપાઉં- રામેશ્વર એસ્ટેટ, બાપુનગર
મીના હીર ફૂડ્સ- જવાહર ચોક, મણીનગર
જય ભવાની ખાના ખજાના- રખિયાલ રોડ, સરસપુર
બાબા રામદેવ ઢાબા- રામોલ ટોલ પ્લાઝા, રામોલ
જય ભૈરવનાથ પંજાબી તડકા- વસ્ત્રાલ
રીયલ પેપરીકા, ઝવેરીવાડ સામે, રિલીફ રોડ (મધ્ય ઝોન)
ડી.એ. હોસ્પિટાલિટી (હોટલ ગામઠી), જગતપુર, ગોતા (ઉત્તર-પશ્ચિમ ઝોન)
હોટલના મેનુમાં ‘એનાલોગ’ લખવું ફરજિયાત
AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે FSSAI એક્ટ મુજબ ખાદ્યપદાર્થોમાં એનાલોગનો ઉપયોગ માન્ય છે, પરંતુ તેને પનીર તરીકે ઉપયોગ કરવો કે ગ્રાહકને પનીર કહીને ખવડાવવું તે ગ્રાહક સાથે છેતરપિંડી સમાન છે. જે પણ એકમો એનાલોગનો ઉપયોગ કરતા હોય તેમણે પોતાના મેનુમાં ‘એનાલોગ’ પનીરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો ફરજિયાત છે.
જે એકમો આ નિયમનું ઉલ્લંઘન કરશે તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પકડાયેલા એકમોને કાયદાકીય જોગવાઈ મુજબ 46(4) ની નોટિસ ફટકારવામાં આવી છે, અને એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
