
કાટમાળ નીચે હજુ પણ કેટલાક મજૂરો ફસાયા હોવાની આશંકા છે, જેથી પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના કટ્ટનારપટ્ટી પાસે આવેલી ‘વનજા ફટાકડાની ફેક્ટરી’માં બની હતી, જેના માલિક મુથુમાનિકમ છે. જ્યારે અકસ્માત થયો ત્યારે ફેક્ટરીમાં આશરે 30 જેટલા મજૂરો રોજના કામમાં લાગેલા હતા. એવું માનવામાં આવે છે કે ફટાકડા બનાવવા માટે વપરાતા જ્વલનશીલ કેમિકલના મિશ્રણ વખતે અચાનક ઘર્ષણ થવાથી આ ભયંકર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીના 4 રૂમ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ઘાયલ થયેલા 6 લોકોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં દાઝી ગયેલા કેટલાક લોકોની હાલત ખૂબ ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે તેવી પૂરી આશંકા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એસપી શ્રીનાથ પોતે ઘટનાસ્થળે હાજર રહીને આ બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. ફેક્ટરીમાં હજુ પણ જ્વલનશીલ રસાયણો હોવાને કારણે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જેસીબી અને ભારે મશીનોની મદદથી ખૂબ જ સાવચેતીપૂર્વક કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા અને તેમને તાત્કાલિક મેડિકલ સહાય પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.
આ કરુણ ઘટના અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પોતાના બે મંત્રીઓ કે.કે.એસ.આર. રામચંદ્રન અને થંગમ થેન્નારાસુને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરીને અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે વિરુધુનગર અને તેની આસપાસનો શિવકાશી વિસ્તાર આખા દેશમાં ફટાકડા અને દિવાસળીના ઉત્પાદનનું સૌથી મોટું હબ માનવામાં આવે છે. અહીં અવારનવાર આવા જીવલેણ અકસ્માતો થતા રહે છે. ઘણીવાર કેમિકલ મિક્સિંગ રૂમમાં તાપમાન વધવાથી, ક્ષમતા કરતા વધુ દારૂખાનું સંગ્રહ કરવાથી કે પછી સલામતીના નિયમો નેવે મૂકવાથી આવી મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અગાઉ પણ 6 જુલાઈએ અને ગયા વર્ષે જાન્યુઆરીમાં અહીં આસપાસની ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થયા હતા, જેમાં મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. હાલ તો વહીવટીતંત્રે તપાસના આદેશ આપ્યા છે કે આ ફેક્ટરી પાસે કાયદેસરનું સંચાલન લાયસન્સ હતું કે નહીં અને સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં. જોકે, અત્યારે પહેલી પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાની છે.