
વહેલી સવારે સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, મૂળ સાણંદના દદુકા ગામના અને હાલ બાવળા રહેતા 60 વર્ષીય ખેડૂત હિંમતસિંહ ડોડિયા ભાયલા ખાતે મોગલ ધામમાં લોકડાયરો સાંભળીને વહેલી સવારે પરત ફરી રહ્યા હતા. સવારે 4 વાગ્યાના સુમારે તે એક રિક્ષામાં આગળની સીટ પર બેઠા હતા. રિક્ષામાં પાછળના ભાગે મહિલાઓ સહિત અન્ય 6 પેસેન્જરો પણ સવાર હતા.
રિક્ષા જ્યારે કેરાળા બ્રિજ ઉતરીને કનૈયા હોટલ પાસે પહોંચી, ત્યારે રિક્ષાચાલક કનકસિંહ પ્રતાપસિંહ ઝાલાએ અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ રિક્ષા પલટી મારીને ડિવાઇડર કૂદી સીધી બાવળા-બગોદરા તરફ જતી રોડની બીજી બાજુએ પટકાઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
રિક્ષાચાલકનું મોત, અન્ય પેસેન્જરો ઈજાગ્રસ્ત
ઘટનાસ્થળે પહોંચેલા 108ના તબીબોએ રિક્ષાચાલક કનકસિંહને મૃત જાહેર કર્યા હતા. આગળ બેઠેલા હિંમતસિંહને ખભા અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતા તેમને બાવળાની મહર્ષિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિક્ષામાં પાછળ બેઠેલા અન્ય પેસેન્જરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓ ખાનગી વાહનોમાં સારવાર માટે રવાના થયા હતા.
બાવળા પોલીસે આ મામલે ઈજાગ્રસ્ત હિંમતસિંહ ડોડિયાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. મૃતક રિક્ષાચાલકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.