ગીર સોમનાથ: તાલાલા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભગા બારડ એક પછી એક વિવાદોમાં ફસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ તેમનો વધુ એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઘટના ગીર સોમનાથના કદવાર ગામમાં ભાજપની એક સભા દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ, કદવાર ગામમાં ધારાસભ્ય ભગા બારડ જ્યારે ભાજપની સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે ગામની એક મહિલાએ વિસ્તારમાં પડતી પાણીની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરી હતી. મહિલાએ ફરિયાદ કરી હતી કે ગામમાં પૂરતું પાણી આવતું નથી, જેના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે મહિલાની આ ફરિયાદ જનતાના પ્રશ્નો સાંભળવાને બદલે, ધારાસભ્યએ આ પ્રશ્ન પૂછાતા જ મહિલા પર ઉશ્કેરાઈ ગયા હતા.
આ સમગ્ર બાબતના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા જ ભગા બારડ પોતાનો સંયમ ગુમાવી બેઠા હતા. તેઓ સ્ટેજ છોડીને નીચે ઉતરી આવ્યા અને સીધા જ મહિલા પાસે પહોંચી ગયા હતા. ધારાસભ્યએ તે મહિલાને ધમકાવીને તેની બોલતી બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે ધારાસભ્ય લોકો પાસે મત માંગવા માટે ગયા હતા, તેમણે જ સભામાં ઉપસ્થિત લોકોને પ્રશ્નો ન પૂછવા માટે કડક શબ્દોમાં કહી દીધું હતું.
હાલ આ ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી દેશભરમાં નારી વંદના અને મહિલાઓના સન્માનની વાતો કરી રહી છે, ત્યારે બીજી જ બાજુ તેમના જ ધારાસભ્યનું મહિલા પ્રત્યેનું આવું ઉદ્ધત અને જોહુકમીભર્યું વલણ વિરોધાભાસ ઊભો કરી રહ્યું છે. મહિલાની વાજબી રજૂઆત સામે ધારાસભ્યના આ પ્રકારના વર્તનથી સ્થાનિકોમાં પણ નારાજગી ફેલાઈ છે.
નોંધનીય છે કે, ધારાસભ્ય ભગા બારડ માટે આ કોઈ પ્રથમ વિવાદ નથી. આ ઘટનાના માત્ર એક દિવસ પહેલા જ તેમનો અન્ય એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ આહીર સમાજને ધમકી આપતા જોવા મળ્યા હતા. સતત બીજા દિવસે નવા વિવાદમાં આવતા ભગા બારડ હવે વિવાદોના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર સામે આવી રહેલા આ પ્રકારના વીડિયો આગામી સમયમાં રાજકીય રીતે તેમને અને પક્ષને કેટલી મુશ્કેલીમાં મુકશે તે જોવાનું રહેશે.
