
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શામળાજી તરફથી અમદાવાદ જઈ રહેલી એક કારને પાછળથી પુરપાટ ઝડપે આવતી ખાનગી લક્ઝરી બસે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો પાછળનો અને ઉપરનો ભાગ સાવ દબાઈ ગયો હતો અને કાર જાણે પડીકુ બની ગઈ હતી. કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ અને રૂદનના દ્રશ્યો સર્જાયા હતા.
મૃતકો અને ઇજાગ્રસ્તોના નામ
મૃતકોમાં શકરીબેન કમલેશકુમાર નાયક, કાન્તાબેન કાનજીભાઈ, હેતલબેન મહેશભાઈ નાયક, મીનાબેન ભીખાભાઈ ભોઈ, સરલાબેન કાન્તીલાલ ભોઈ અને આશિકબેન કપિલલાલ નાયકનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં નાયક અંજુબેન ભોય, નીતાબેન ભોઈ, મીનાક્ષીબેન નાયક, કામિનીબેન પટેલ, કંચનબેન નાયક, નીતાબેન પ્રજાપતિ, રેખાબેન ગોસ્વામી અને અનિલકુમાર રાવલનો સમાવેશ થાય છે.
પોલીસ અને હાઈવે ઓથોરિટીની પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. નેશનલ હાઈવે પર ડિવાઈડર વચ્ચે પાડવામાં આવેલા ગેરકાયદેસર કટ આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાની આશંકા છે. કાર ચાલક જ્યારે હાઈવે પરના જોખમી ઊંચા કટ પરથી વાહન પસાર કરવા અથવા વળાંક લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પાછળથી આવતી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કારને કચડી નાખી હતી. શોર્ટકટ લેવાની વૃત્તિ અને હાઈવેના નિયમોના ઉલ્લંઘને છ નિર્દોષ જિંદગીઓનો ભોગ લીધો છે.
ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસનો કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કારમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છ વ્યક્તિઓને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.
હાઈવે પર ટ્રાફિકજામ થયો
અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ક્રેન બોલાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવ્યા હતા અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી બસ ડ્રાઈવર વિરૂદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર સાબરકાંઠા પંથકમાં અરેરાટી વ્યાપી દીધી છે. હાઈવે પરના જોખમી ગેરકાયદે કટ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તેવો સવાલ પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.
