ગાંધીનગરના સીમાડે આવેલા ચિલોડા ગામમાં આજે વહેલી સવારે પ્રેમી પંખીડા એકસાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ચિલોડા ગામના સરકારી બોર કુવા પાસે આવેલા આંબાના ઝાડે સાડી વડે ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચિલોડા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ચિલોડા ગામમાં રહેતા પુરુષ અને મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગાઢ પ્રેમ સંબંધો હતા. પરિણીત મહિલાનું તેમના પતિ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. આ દંપતીની એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે. બીજી તરફ પુરુષના અગાઉ છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આંબાના ઝાડે પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાધેલી હાલતમાં
આજે સવારે જ્યારે ગ્રામજનો ખેતરો તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના આંબાના ઝાડે બે લાશ લટકતી જોતા જ ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરતા ચિલોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
પોલીસે જોયું તો બંનેના મૃતદેહ એક જ ઝાડ પર લટકી રહ્યા હતા.
પ્રાથમિક તપાસમાં આ પ્રેમ પ્રકરણના કારણે લેવાયેલું અંતિમ પગલું હોવાનું સામે આવ્યું છે. પોલીસે FSL અને મામલતદારને સ્થળ પર બોલાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
સાથે ન રહી શકવાની મજબૂરીમાં બંનેએ આ પગલું ભર્યું હોઈ શકે’
ચિલોડા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણના કારણે લેવાયેલું અંતિમ પગલું જણાય છે. અમે બંને પરિવારોના સભ્યોની પૂછપરછ કરી રહ્યા છીએ. FSLના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાશે.
મહિલા અને પુરુષ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. કદાચ સામાજિક બદનામીના ડરે અથવા તો સાથે ન રહી શકવાની મજબૂરીમાં બંનેએ આ પગલું ભર્યું હોઈ શકે છે. આ મામલે મૃતકોના પરિવારજનો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે.
હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટના પાછળના અન્ય પાસાઓની તપાસ હાથ ધરી છે.
