દ્વારકાથી સોમનાથ જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી: રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોત; અનેક ઘાયલ

Spread the love
ગુજરાતના હાઈ-વે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થતાં હાઈ-વે પર મરણચીસો ગુંજી ઉઠી હતી.પૂરઝડપે જતી બસની સામે અચાનક પશુ આવી જતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે બસ પલટી ખાઈ ગઈ હતી.રોઝડું આડું ઉતરતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, આ ખાનગી બસમાં 40થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. આ તમામ યાત્રિકો ભાવનગરથી નીકળ્યા હતા અને દ્વારકાના દર્શને નીકળ્યા હતા અને દ્વારકાથી સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા હતા. રઈજ ગામ પાસે પહોંચતા જ અચાનક હાઈ-વે પર એક રોઝડું (નીલગાય) વચ્ચે આવી ગયું હતું.અકસ્માત જોઈને રાહદારીઓ અને સ્થાનિકો મદદે આવ્યા
અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ પલટી મારતા જ અંદર સવાર મુસાફરોમાં ફફડાટ અને ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.હાઈ-વે પર થોડીવાર માટે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા આ અકસ્માતને પગલે હાઈ-વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેન દ્વારા બસને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકોના પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. સોમનાથ-દ્વારકાની ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આ સફર અંતિમ સફર સાબિત થતા ભાવનગર અને માંગરોળ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ઈજાગ્રસ્તોમાં 55 વર્ષીય પ્રવિણાબેન ગઢવી, 18 વર્ષીય પરીતાબેન મકવાણા, 60 વર્ષીય જીજુબેન દેવકુભાઈ, 33 વર્ષીય સોનલબેન, 40 વર્ષીય ઉષાબેન ગઢવી અને 55 વર્ષીય રાજેશભાઈ રાવતનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રિકો સોમનાથથી દર્શન કરી દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *