મોરબીના લીલાપર કેનાલ રોડ પર આજે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ સમરસ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજના આગેવાનોએ ભેગા મળીને દેખાદેખી અને ખોટા ખર્ચા અટકાવવા માટે એક મોટો અને સરાહનીય નિર્ણય લીધો છે. સમાજનું એક નવું ‘સામાજિક બંધારણ’ (નિયમાવલી) તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સગાઈથી લઈને લગ્ન અને મરણ પ્રસંગ સુધીની તમામ વિધિઓ સાદાઈથી કરવા માટેના કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
જો કોઈ આ નિયમોનો ભંગ કરશે, તો તેને હજારોથી લઈને લાખો રૂપિયા સુધીનો આકરો દંડ ફટકારવામાં આવશે. આખા સમાજે હવેથી આ બંધારણનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સગાઈ અને લેતીદેતીના નવા નિયમો:
નવા નિયમો મુજબ, દીકરા કે દીકરીની સગાઈ વખતે લેતીદેતીમાં હવે વધુમાં વધુ 3 લાખ રૂપિયા રોકડા અને 7 તોલા જેટલા જ ઘરેણાં આપી શકાશે. જો કોઈએ આ નિયમ તોડીને 3 લાખથી વધુ રકમ લીધી હશે, તો વધારાની પૂરેપૂરી રકમ સમાજના ફંડમાં (સામાજિક કાર્યો માટે) જમા કરાવવી પડશે. આટલું જ નહીં, આવું કરવા બદલ બંને પક્ષે (લેનાર અને આપનાર) 1-1 લાખ રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડશે.
જલ અને ચુંદડીના પ્રસંગમાં સાદાઈ:
સગાઈ પછી જ્યારે ‘જલ’ નો પ્રસંગ આવે ત્યારે શુકન પેટે માત્ર 500 રૂપિયા જ આપવાના રહેશે, બાકીની હરખ પ્રથા અને લેવડદેવડ સંપૂર્ણ બંધ રહેશે. જલ પછી જ્યારે કપડાં આપવા જાય ત્યારે માત્ર 3 જોડી કપડાં, સાંકળા અને દાણો જ આપવાનો રહેશે, અન્ય કંઈ નહીં. જો આ નિયમ તૂટશે તો બંને પક્ષે 11,000 રૂપિયાનો દંડ લાગશે. એવી જ રીતે, ‘ચુંદડી’ ના પ્રસંગમાં પણ શુકન રૂપે માત્ર 3 જોડી કપડાં, સાંકળા અને દાણો જ આપી શકાશે. આ નિયમનો ભંગ કરવા પર બંને પક્ષે 21,000 રૂપિયા દંડ ભરવો પડશે.
લગ્ન અને મામેરામાં ખોટો દેખાડો બંધ:
લગ્ન લખવા જતી વખતે: દીકરી પક્ષ તરફથી વધુમાં વધુ 7 વ્યક્તિઓએ જ જવાનું રહેશે. દીકરા પક્ષે પણ અન્ય સગાં-વહાલાઓની ખોટી ભીડ ભેગી કરવાની રહેશે નહીં. ‘નેહડાનો જમણવાર’ (મોટો જમણવાર) કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે, ફક્ત પોતાના ભાયુ-કુટુંબ પૂરતું જ જમણ રાખવાનું રહેશે. નિયમ તોડ્યો તો 11,000 રૂપિયા દંડ ભરવો પડશે.
છાબ પ્રથા: લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ 51,000 રૂપિયા રોકડા આપી દેવાના રહેશે. આ નિયમનો ભંગ કરવા પર બંને પક્ષે અલગ-અલગ 50,000 રૂપિયાનો દંડ લાગશે.
મામેરું: મામેરામાં માત્ર સગા મામા-માસીને જ પહેરામણી આપવાની રહેશે. દેરાણી-જેઠાણીના મામેરા અને વળતર પ્રથા સદંતર બંધ કરી દેવાઈ છે. જો કોઈ આ કરશે તો મામેરું લાવનાર અને ઘરધણી એમ બંને પક્ષે 11,000 રૂપિયા દંડ લાગશે.
અન્ય પ્રસંગો અને દંડની જોગવાઈ:
માતાજીના માંડવામાં વ્યવહાર (વેવાર) પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે, જો નિયમ તૂટ્યો તો 51,000 રૂપિયાનો દંડ થશે. વાસ્તુ પૂજન કે હવન જેવા નાના પ્રસંગોમાં પણ ફક્ત સાસરિયાઓનો જ વ્યવહાર લેવાનો રહેશે. સાસરિયા સિવાય અન્ય કોઈનો વ્યવહાર લેશે તો 11,000 રૂપિયા દંડ ભરવો પડશે.
મરણ પ્રસંગ માટે લેવાયા કડક નિર્ણયો:
મરણ પ્રસંગે લૌકિક ક્રિયા (બેસણું) માત્ર 3 દિવસ જ રાખવાનું રહેશે અને ‘પાણી ઢોળ’ વિધિ પછી કોઈએ લૌકિકે જવાનું રહેશે નહીં. મરણ પ્રસંગે મહિલાઓ દ્વારા છાજિયા લેવા (કોટ કણ કરવા) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. દાળામાં (મરણ પાછળના જમણવારમાં) બને ત્યાં સુધી એકદમ સાદું ભોજન જ રાખવાનો આગ્રહ કરાયો છે. આ ઉપરાંત, શ્રાદ્ધ અને રાખ પાંચમની વિધિમાં માત્ર ઘરના કુટુંબીજનો અને બહેન-દીકરીઓ સિવાય અન્ય કોઈ સગાં-વહાલાઓને બોલાવવાના રહેશે નહીં.
