
9 દુલ્હા અને 9 દુલ્હન
પાકિસ્તાનના મુલ્તાનમાં 9 દુલ્હા – મુહમ્મદ કાશિફ, મુહમ્મદ આસિમ, મુહમ્મદ અમીન, મુહમ્મદ નઈમ, મુહમ્મદ નવેદ, મુહમ્મદ રાશિદ, મુહમ્મદ બિલાલ, મુહમ્મદ શહબાઝ અને મુહમ્મદ અલી – એ પોતાની પિતરાઈ બહેનો સાથે એક જ સમારંભમાં લગ્ન કર્યા. આ લગ્નમાં બંને પરિવારોએ ખોટો દેખાડો કર્યા વગર સરળ રીતે લગ્ન કર્યા હતા. અહીં સૌથી મહત્વની વાત એ રહી કે બંને પરિવારે દહેજ લેવું કે આપવું, બંનેથી સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. પાકિસ્તાનમાં દહેજના કારણે અનેક પરિવારો દેવામાં ફસાઈ જાય છે, ત્યારે આ નિર્ણયની પાકિસ્તાનમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
ભારતમાં વિવાદ
આ સમાચાર ભારત સુધી પહોંચતાં જ વાયરલ થઈ ગયા. જ્યાં પાકિસ્તાનમાં આ નિકાહની પ્રશંસા થઈ રહી છે, ત્યાં ભારતમાં લોકો ચિંતિત છે. ભારતમાં આ સમાચાર પર પ્રતિક્રિયાઓ ખૂબ જ તીવ્ર છે. ઘણા યુઝર્સ આને “કઝિન મેરેજ” કહીને અયોગ્ય ગણાવી રહ્યા છે. કેટલાકે કોમેન્ટ્સમાં લખ્યું કે, “આવું તો ફક્ત પાકિસ્તાની જ કરી શકે!” જ્યારે કેટલાક લોકો સરળ લગ્ન અને દહેજ મુક્ત આયોજનની પ્રશંસા પણ કરી રહ્યા છે. ભારતીય સોશિયલ મીડિયા પર આ સમાચાર “9 ભાઈઓએ 9 બહેનો સાથે લગ્ન કર્યા” તરીકે શેર થઈ રહ્યા છે, જોકે વાસ્તવમાં તેઓ પિતરાઇ ભાઈ-બહેન છે, સગા નથી. અગાઉ પણ આવી ઘટનાઓ પર ફેક્ટ ચેક થઈ ચૂક્યા છે, જેમાં સગા ભાઈ-બહેનના લગ્નની વાત ખોટી સાબિત થઈ હતી.
પાકિસ્તાનમાં કઝિન મેરેજની પરંપરા
પાકિસ્તાન સહિત ઘણા મુસ્લિમ બહુલ દેશોમાં પિતરાઇ ભાઈ-બહેનો વચ્ચે લગ્ન સામાન્ય ગણવામાં આવે છે. જોકે, વૈજ્ઞાનિક દૃષ્ટિએ વારંવાર આવા લગ્નોથી વારસાગત બીમારીઓનો ખતરો વધી શકે છે. ભારતમાં પણ કેટલાક સમુદાયોમાં આ પ્રથા છે, પણ કાનૂની અને સામાજિક રીતે એ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. પરિવારનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં અલગ-અલગ લગ્ન કરવા ખૂબ મુશ્કેલ હતા, એટલે સૌએ મળીને એક સાથે આ નિર્ણય લીધો હતો.