રાજ્યમાં પશ્ચિમી થી ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૪ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં તા.૧૧ થી ૧૪ મે આગામી ૪ દિવસોમાં હીટવેવ (લૂ) ફૂંકાવાની શક્યતા છે.
ગાંધીનગર માટે હાલ ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીથી બચવા માટે નાગરિકોને વિશેષ તકેદારી રાખવા વિનંતી છે. જેમાં બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. માથું ઢાંકવા માટે ટોપી, છત્રી કે રૂમાલનો ઉપયોગ કરવો. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. શરીરમાં પ્રવાહીનું સ્તર જાળવવા માટે લીંબુ પાણી, છાશ, લસ્સી અને ઓ.આર.એસ (ORS) નો ઉપયોગ કરો.
ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓની વિશેષ કાળજી લેવી જરૂરી છે. બપોરના સમયે ભારે શ્રમવાળા કામોને ટાળવા અને કામ દરમિયાન છાંયડાનો ઉપયોગ કરવા,જેવાં પગલાં લેવાથી આ દિવસો દરમિયાન હીટ વેવથી બચી શકાશે. આમ છતાં હીટ વેવના કારણે કોઈ આરોગ્ય ઇમર્જન્સી ઉત્પન્ન થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અનુરોધ છે.