જીવનના સાચા ખોટા રસ્તાઓ અને પરિસ્થિતિઓ અંગે આચાર્ય ચાણક્યે તેમની નીતિમાં આપણને સૌને માર્ગદર્શન આપ્યુ છે. જો તેમણે દર્શાવેલ રસ્તા પર ચાલીએ તો ક્યારેય મુશ્કેલી આવતી જ નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈનું ભલું કરનારનું ભલું જ થાય છે. પરંતુ અમુક કિસ્સામાં આ નિયમ લાગૂ પડતો નથી.
ચાણક્ય નીતિમાં એવા ત્રણ પ્રકારના લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેનું ભલું કરનારને પુણ્ય મળતું નથી અને સમસ્યાઓ તેના જીવનમાં આવી જાય છે. આ પ્રકારના લોકોથી દૂર જ રહેવામાં ભલાઈ હોય છે. તો જાણી લો કયા કયા હોય છે આવા લોકો.
- ચાણક્ય અનુસાર મૂર્ખ સ્ત્રી અથવા પુરુષને જ્ઞાન અને ઉપદેશ ન આપવા જોઈએ. મૂર્ખને જ્ઞાન આપી તેનુ ભલું કરવાની જે ઈચ્છા રાખે છે તે પોતાનો સમય વેડફે છે. કારણ કે મૂર્ખ વ્યક્તિ કોઈની સલાહને ધ્યાનમાં લેતી નથી. ક્યારેય આવા લોકોને આપેલી સલાહ સમસ્યા પણ સર્જી શકે છે. પંચતંત્રમાં પણ આ અંગે વાંદરા અને સુગરીની વાર્તા છે જે આવીજ વાત કરે છે કે ક્યારેય કોઈ મૂર્ખને સલાહ આપવી નહીં.
- ચરિત્ર્યહીન અને ખરાબ સ્વભાવની સ્ત્રીનું પોષણ કરનાર ક્યારેય સુખી થતાં નથી. આવી મહિલાઓ માત્ર ધનની લાલચુ હોય છે. આવી સ્ત્રીઓને પણ સલાહ આપનાર સજ્જન વ્યક્તિ પોતાનુ માન-સન્માન જોખમમાં મુકે છે. જે સ્ત્રી પોતાના ધર્મથી ભટકી જાય છે તે પોતાની સાથે તેની મદદ કરનારને પણ પાપના ભાગીદાર બનાવી દે છે. તેથી આવી સ્ત્રીઓને પણ સલાહ ન આપવી અને તેમનાથી દૂર રહેવું.
- ચાણક્ય અનુસાર જે લોકો ભગવાને આપેલા જીવન અને સુખથી સંતુષ્ટ ન હોય અને અન્ય લોકો પાસે દુ:ખની જ ચર્ચાઓ કરે છે તેમનાથી પણ દૂર જ રહેવું જોઈએ. આવા લોકોને સલાહ આપનાર કે સાથે રહેનાર પણ દુ:ખી જ રહે છે. આવા લોકોની ભલાઈ કરવાનો વિચાર પણ ન કરવો જોઈએ.