સેવિંગ્સ એકાઉન્ટ વાપરો છો? તો આ ‘7 મોટી ભૂલ’ ભારે પડશે, આવી શકે છે ‘Income Tax’ ની નોટિસ

Spread the love

આજના ડિજિટલ અને હાઈ-ટેક યુગમાં બેંક સાથે જોડાયેલી તમારી દરેક નાની-મોટી લેવડદેવડ સીધી ઈનકમ ટેક્સ (આવકવેરા) વિભાગની નજરમાં હોય છે. સરકારે બેંકો માટે ‘સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ’ (SFT) અનિવાર્ય કર્યું છે. આ અંતર્ગત, જો કોઈ ખાતાધારક તેના સેવિંગ્સ એકાઉન્ટ (બચત ખાતા) માં નિર્ધારિત મર્યાદા કરતાં વધુની લેવડદેવડ કરે છે, તો બેંક તેની માહિતી જાતે જ ટેક્સ ડિપાર્ટમેન્ટને મોકલી દે છે.

ઘણી વખત લોકોને એવું લાગે છે કે, ઓનલાઈન કે કેશમાં થોડા-ઘણા વધારે પૈસા ફેરવવાથી કંઈ નહીં થાય પરંતુ ટેક્સના નિયમોની અવગણના તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

આવકવેરાના નિયમો અનુસાર, જો તમે એક નાણાકીય વર્ષ (Financial Year) ની અંદર તમારા કોઈ એક અથવા એકથી વધુ સેવિંગ્સ એકાઉન્ટમાં કુલ મળીને ₹10 લાખ કે તેથી વધુની રોકડ જમા કરાવો છો, તો બેંક તેની રિપોર્ટ તરત જ ટેક્સ વિભાગને આપે છે. ભલે તે પૈસા તમારી કાયદેસરની કમાણીના હોય પણ મર્યાદા વટાવતા જ તમને તે પૈસાનો સ્ત્રોત (Income Source) સાબિત કરવા માટે નોટિસ આવી શકે છે.

માત્ર કેશ જમા કરાવવી જ નહીં પરંતુ ખાતામાંથી ભારે માત્રામાં કેશ ઉપાડવી પણ ટેક્સ વિભાગને સતર્ક કરી દે છે. એક વર્ષમાં પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાંથી ₹10 લાખથી વધુની રોકડ ઉપાડવા પર બેંકે તેની સૂચના આપવી પડે છે. આ ઉપરાંત, એક નિશ્ચિત મર્યાદા (જેમ કે ₹20 લાખ કે ₹1 કરોડ) થી વધુ કેશ ઉપાડવા પર ટીડીએસ (TDS) કપાતનો પણ નિયમ છે.

 

જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને તેનું બિલ ચૂકવવા માટે રોકડનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જાઓ. જો તમે વર્ષ દરમિયાન તમારા ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે ₹1 લાખ કે તેથી વધુની રોકડ જમા કરાવો છો, તો તે સીધું રડારમાં આવે છે. બીજી તરફ, જો તમે ઓનલાઈન અથવા ચેક દ્વારા પણ વર્ષમાં ₹10 લાખથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ભરો છો, તો ટેક્સ વિભાગ તમારી કમાણી અને ખર્ચની સરખામણી કરવા માટે નોટિસ મોકલી શકે છે.

 

ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી કરાવવી એ રોકાણનો એક સુરક્ષિત રસ્તો છે. એવામાં જો તમે એક વર્ષમાં ₹10 લાખ કે તેથી વધુની એફડી કેશ જમા કરાવીને ખોલાવો છો, તો તે સીધું ઇન્કમ ટેક્સની નજરમાં આવી જાય છે. ટેક્સ વિભાગ તમને પ્રશ્ન કરી શકે છે કે, આ એફડી કરાવવા માટે તમારી પાસે આટલી રોકડ ક્યાંથી આવી?

 

મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર કે બોન્ડ્સમાં રોકાણ કરવું આજે ખૂબ લોકપ્રિય છે પરંતુ જો તમે એક વર્ષની અંદર આ જગ્યાઓ પર રોકાણ કરવા માટે ₹10 લાખ કે તેથી વધુનું ટ્રાન્ઝેક્શન કરો છો, તો તેની માહિતી સીધી SFT દ્વારા ટેક્સ અધિકારીઓ સુધી પહોંચે છે. આવા કિસ્સાઓમાં એ જોવામાં આવે છે કે, શું તમારી જાહેર કરેલી વાર્ષિક આવક આ મોટા રોકાણ સાથે મેળ ખાય છે કે નહીં?

 

આ સિવાય જ્યારે પણ તમે કોઈ પ્લોટ, ફ્લેટ કે મકાન ખરીદો અથવા વેચો છો અને તેની રજિસ્ટ્રીની કિંમત ₹30 લાખ કે તેથી વધુ હોય છે, ત્યારે સબ-રજિસ્ટ્રાર તેની માહિતી આવકવેરા વિભાગને આપે છે. જો તમે પ્રોપર્ટી ખરીદવા માટે તમારા સેવિંગ્સ એકાઉન્ટમાંથી મોટી રકમ ટ્રાન્સફર કરી છે પરંતુ તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં એટલી કમાણી દેખાતી નથી, તો નોટિસ આવવી બિલકુલ નક્કી છે.

 

જો તમે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છો અથવા અન્ય કોઈ કારણોસર એક વર્ષની અંદર ₹10 લાખ કે તેથી વધુની કિંમતની વિદેશી કરન્સી ખરીદો છો અથવા તો ટ્રાવેલ કાર્ડ કે ફોરેક્સ કાર્ડમાં આટલા પૈસા લોડ કરાવો છો, તો તેનો રિપોર્ટ પણ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *