ખંભાળિયા હાઈવે પર ચાલુ કારમાં લાગી ભીષણ આગ, પિતા અને પુત્રી જીવતા ભૂંજાયા

Spread the love

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર રણજીપુર ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે. હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ચાલુ સ્વિફ્ટ કારમાં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક અનુમાન મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો (માતા, પિતા અને પુત્રી) સવાર હતા.

પિતા-પુત્રી કારમાં જ હોમાયા, માતાનો ચમત્કારિક બચાવ

 

આગ એટલી ઝડપથી ફેલાઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે કારમાં સવાર પિતા અને પુત્રીને બહાર નીકળવાની તક જ મળી નહોતી. આગની લપેટમાં આવી જતાં વલ્લભભાઈ સુવા અને તેમની 23 વર્ષીય પુત્રી હીરલબેન સુવા કારની અંદર જ ગંભીર રીતે હોમાઈ ગયા હતા અને બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર માતા સતીબેનનો આ ભયાનક દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

 

લોકોના ટોળેટોળાં ઉમટ્યા, હોસ્પિટલ ખસેડાયા

 

હાઈવે પર કારને સળગતી જોઈને આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. બીજી તરફ, સામાન્ય ઇજાગ્રસ્ત અને આઘાતમાં સરી પડેલા માતા સતીબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *