માર્ચ અને એપ્રિલમાં વૈશ્વિક તેલ ભંડાર રેકોર્ડ ગતિએ ઘટયા : બે મહિનામાં 24.6 કરોડ બેરલની ખાધ !!
નવી દિલ્હી
આઈઈએ એટલે કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ સોમવારે તેલ ભંડારને લઈને ચેતવણી જાહેર કરી છે. એજન્સીનું કહેવું છે કે દુનિયામાં વ્યાપારી તેલ ભંડાર ઝડપથી ખતમ થઈ રહ્યાં છે.
વર્તમાન પરિસ્થિતિમાં માત્ર થોડા અઠવાડિયાનો જ સ્ટોક બચ્યો છે.
એજન્સીના વડા ફાતિહ બિરોલે જણાવ્યું કે યુદ્ધ અને હોર્મુઝ બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર ગંભીર અસર પડી છે, જેનાથી બજારમાં ભારે દબાણ ઊભું થયું છે.
આવી સ્થિતિમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર બચ્યો છે. ખાસ વાત એ છે કે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યાં છે.
બે મહિનામાં 24 કરોડ બેરલથી વધુ તેલ ઘટ્યું
પેરિસમાં આયોજિત જી-7 દેશોનાં નાણામંત્રીઓની બેઠકમાં સામેલ થયેલાં બિરોલે જણાવ્યું કે, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક તેલ ભંડારમાંથી દરરોજ 25 લાખ બેરલ તેલ બજારમાં ઠાલવવામાં આવી રહ્યું છે, પરંતુ આ ભંડાર અસીમિત નથી.
માર્ચ અને એપ્રિલમાં વૈશ્વિક તેલ ભંડાર રેકોર્ડ ગતિએ ઘટ્યા છે. આ બે મહિનામાં 24.6 કરોડ બેરલ તેલ ભંડાર ઓછો થયો છે. ગયા અઠવાડિયે એજન્સીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા સંકટના કારણે આ વર્ષે વૈશ્વિક તેલ પુરવઠો માંગ કરતાં ઓછો રહેવાની આશંકા છે.
ભારતમાં કેટલા દિવસનો સ્ટોક
12 મે, મંગળવારના રોજ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે વૈશ્વિક ઉર્જા સંકટ છતાં બે મહિનાના ઈંધણ ભંડાર સાથે ભારતને પુરવઠા અંગે કોઈ ચિંતા નથી.
જો કે, તેમણે ચેતવણી આપી હતી કે જો ક્રૂડ ઓઈલના ભાવ આ જ રીતે ઊંચા રહેશે અને છૂટક કિંમતોમાં ફેરફાર કરવામાં નહીં આવે, તો સરકારી પેટ્રોલિયમ કંપનીઓને એક જ ક્વાર્ટરમાં એક લાખ કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે.
મંત્રીએ માહિતી આપી હતી કે ભારત પાસે આ સમયે લગભગ 60 દિવસનો ક્રૂડ ઓઈલનો ભંડાર, 60 દિવસનો એલએનજી ભંડાર અને 45 દિવસનો એલપીજી ભંડાર છે.
ફરી વધ્યા ભાવ
આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો થયો છે. છેલ્લાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ બીજો વધારો છે. અહેવાલ છે કે આ વધારા પછી રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.77 રૂપિયાથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. વળી, ડીઝલની કિંમત 90.67 રૂપિયાથી વધીને 91.58 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલ 91 પૈસા મોંઘું થઈને 107.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94 પૈસા મોંઘું થઈને 94.08 રૂપિયા પ્રતિ લીટર થયું છે. કોલકાતામાં પેટ્રોલના ભાવ સૌથી વધુ વધ્યાં છે.
પેટ્રોલ 96 પૈસા વધીને 109.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94 પૈસા વધીને 96.07 રૂપિયા પ્રતિ લીટર થયું છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 82 પૈસા વધીને 104.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86 પૈસા વધીને 96.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
