રાજકોટ રોકડિયું, ભેળસેળમાં ભોકડિયું, ગોળા આઈસ્ક્રીમ મીઠાઈમાં વપરાતી બદામ જીવાતવાળી, 2000 કિલો બદામ પકડાઈ

Spread the love
લોકોના આરોગ્ય સાથે ખિલવાડનો ધંધો ફરી જગજાહેર : લાયસન્સ કે જીએસટી નંબર પણ ન હતા : રાજકોટ ઉપરાંત અન્ય રાજયમાં પણ માલની સપ્લાય થતી હોવાનું ખુલ્યું.

રાજકોટ, તા.21

રાજકોટમાં અખાદ્ય પદાર્થના ધુમ વેંચાણ વચ્ચે મિલાવટ કરનારાને સજા સહિતની કાર્યવાહી ચાલુ છે. તેવામાં માધાપર ચોકડી પાસે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી હિર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં સંગ્રહવામાં આવેલો 2000 કિલો (બે ટન) જીવાતવાળી અને સડેલી બદામ (ડ્રાયફ્રુટ)નો જથ્થો મનપાના આરોગ્ય અને ફૂડ તંત્રએ પકડી પાડતા ખળભળાટ મચ્યો છે.

ભુતકાળમાં માધાપર ચોક વિસ્તારમાંથી જ બિનઆરોગ્યપ્રદ નમકીનનું કારખાનુ પણ પકડાયું હતું.

 

આ રૂા. 12 લાખની કિંમતના ડ્રાયફ્રુટનો જથ્થો લોકોને બીમાર પાડી દે તેવી હાલતમાં હોય, ફૂડ વિભાગે તત્કાલ તેનો નાશ કરાવ્યો હતો. રાજકોટમાં કાળઝાળ ગરમીમાં હાલ બરફના ગોલા, આઇસ્ક્રીમ, શીખંડ, અલગ અલગ મીઠાઇમાં ડ્રાયફ્રુટનો ધુમ ઉપયોગ થતો હોય છે.

 

આવા ધંધાદારી સ્થળોએ આવી સડેલી બદામની સપ્લાય થતી હોય જાણીતા પાર્લરોમાં પણ બિનઆરોગ્યપ્રદ માલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આ કારખાનામાંથી પુના, મુંબઇ, મહુવા, ઉદયપુર, કોડીનાર, સુરેન્દ્રનગર, જુનાગઢ, કોલ્હાપુર, અમરેલી, નાસીક, અનંતનાગ, પોરબંદર સહિતના શહેરોમાં માલ જતો હોવાનું ખુલ્યું છે.

 

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ પર આવેલ `હીર એન્ટરપ્રાઇઝ`(ઉત્પાદક)પેઢીમાં તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ બદામ (ડ્રાયફ્રુટ)નો અંદાજિત 2,000 કિલો જથ્થો સડેલો તથા જીવાતવાળો મળી આવ્યો હતો.

 

આ પેઢીમાં બદામની કતરણ પ્રોસેસિંગ કરી મીઠાઇ, આઈસક્રીમ તથા ગોલા જેવી ખાદ્યચીજોનો વિતરણ કરતાં વેપારીઓને વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ આ ઉત્પાદક પેઢીના ભાગીદાર પ્રદીપભાઇ દૂધાત્રાની સ્થળ પર પૂછપરછ કરતાં તેઓએ ફૂડ લાયસન્સ કે જીએસટી સર્ટિફીકેટ નહીં લીધાનું બહાર આવ્યું હતું.

 

આ અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ છે તેમજ વેંચાણ માટે રાખેલ જથ્થામાથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બદામ (લૂઝ)નો નમૂનો લઇ લેબોરેટરીમાં મોકલાયો છે. આ તમામ આશરે 2,000 કિલો બદામનો જથ્થો સ્થળ પર સોલીડ વેસ્ટ શાખાના વાહનમાં નાશ કરવામાં આવેલ છે. જેની કિંમત અંદાજીત 1ર લાખ હોવાનું દરોડા ટીમના વડા નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતાએ કહ્યું હતું.

 

દરમ્યાન ફૂડ વિભાગની ટીમે શહેરના મવડી મેઇન રોડ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 16 ધંધાર્થિને ત્યાં 13 નમુનાની ચકાસણી કરી 3 વેપારીને નોટીસ આપી હતી. તેમાં (1)ભેનાથ બદામ શેક (2) ન્યુ શ્રીજી આઈસક્રીમ અને (3)વૃંદાવન આઈસક્રીમનો સમાવેશ થાય છે.

 

ઉપરાંત (5)જે.પી સોડા આઈસક્રીમ (6)મિલન ગોલા (7)પટેલ ગોલા (8)સંગમ ગોલા (9)સ્નો બોલ પોઈન્ટ (10)આવિષ્કાર આઈસક્રીમ (11)માતિ કોઠી આઈસક્રીમ (12)શ્રી બાલાજી કોઠી આઈસક્રીમ (13)પટેલ ગોલા (14)વિલેજ ટેસ્ટ ડ્રાય ફ્રૂટ ગોલા (15)શ્રી વૃંદાવન આઈસક્રીમ (16)હરી નેચરલ કોઠી આઈસક્રીમમાં તપાસ કરવામા આવી હતી.

 

ફૂડ વિભાગ દ્વારા હિર એન્ટરપ્રાઈઝમાંથી બદામ, ભકિતનગર સ્ટેશન પ્લોટ-1ના ફેવરીટ આઇસ્ક્રીમમાં રેડ વેલવેટ આઇસ્ક્રીમ અને માવા મલાઇ કેન્ડીનો નમુનો લઇ પરીક્ષણમાં મોકલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *