વિશ્વનાં 100 સૌથી વધુ ગરમ શહેરોની યાદીમાં 97 શહેર માત્ર ભારતનાં!

Spread the love

હાલમાં લગભગ સમગ્ર ભારત પ્રચંડ ગરમીની લપેટમાં છે. ઉત્તર પ્રદેશના બાંદા ઉપરાંત બિહારના સાસારામ અને ઓડિશાના બાલનગીરમાં પારો ૪૮ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. સમગ્ર ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારત આકાશમાંથી વરસતી આગને કારણે ધગધગતો ગોળો બન્યા છે. ગરમીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વના ૧૦૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં ૯૭ શહેરો માત્ર ભારતના છે.

શુક્રવારે બપોરે AQI.in દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, વિશ્વના ૧૦૦ સૌથી ગરમ શહેરોમાં મોટાભાગના શહેરો ભારતના છે. ઓડિશાનું બાલનગીર ૪૮° ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે વિશ્વમાં સૌથી ગરમ સ્થાન રહ્યું છે. ત્યારબાદ બિહારનું સાસારામ (૪૮°) દ્વિતીય ક્રમે અને ઉત્તર પ્રદેશનું વારાણસી (૪૭°) ત્રીજા ક્રમે છે. આ યાદીમાં માત્ર ત્રણ શહેરો અપવાદ રૂપે નેપાળના છે, જેમાં ધાંગઢી ૨૩મા, નેપાળગંજ ૩૪મા અને લુમ્બિની ૭૬મા ક્રમે છે, જ્યાં તાપમાન ૪૫°-46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે.

 

ટોપ ૧૦૦માં સામેલ અન્ય મુખ્ય શહેરોમાં યુપીનું મુઝફ્ફરનગર, અયોધ્યા, પંજાબનું પટિયાલા, તેલંગાણાનું વારંગલ, અને ઉત્તરાખંડનું હરિદ્વાર સામેલ છે. આ તમામ શહેરોનું તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ ઉપરાંત રાજસ્થાનનું શ્રી ગંગાનગર, મધ્ય પ્રદેશનું ગ્વાલિયર, ઝારખંડનું ધનબાદ અને ચંદીગઢનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, ત્યારબાદ આગ્રા સિંગરૌલી પણ આ યાદીમાં સામેલ છે, આ બંને શહેરોનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

 

ભારતીય હવામાન વિભાગે 28 મે સુધી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ‘ભીષણ લૂ’ની ચેતવણી આપી છે. આ અસહ્ય ગરમીના કારણે દેશની હોસ્પિટલોમાં ઝાડા-ઉલ્ટી અને ડિહાઇડ્રેશનના દર્દીઓની લાઈનો લાગી છે, જ્યારે ગુજરાતમાં પાણીની અછતના અહેવાલો પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના કહેવા અનુસાર, જ્યારે મેદાનના વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં ૩૦° ડિગ્રી સેલ્સિયસથી વધુ થાય તથા તે સામાન્ય કરતાં ૪.૫ થી ૬.૪° ડિગ્રી સેલ્સિયસ વધારે હોય, અથવા તાપમાન ૪૫° ડિગ્રી સેલ્સિયસે પહોંચે ત્યારે ‘લૂ’ ની જાહેરાત કરાય છે. ચાલુ સપ્તાહે દેશનું સૌથી વધુ ૪૮° ડિગ્રી સેલ્સિયસ તાપમાન યુપીના બાંદામાં નોંધાયું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *