મોટી ખરીદી પર અચાનક વિરામ: 50 હજાર થેલીઓનું ટેન્ડર હાલ મુલત્વી

Spread the love

ગાંધીનગરની સેનિટેશન શાખા દ્વારા પ્લાસ્ટિક મૂક્તિ અભિયાન હેઠળ કાપડની થેલી અંગે જાગૃતિ લાવવા માટે વિતરણ કરવા 96 લાખના માતબર ખર્ચે 50 હજાર કાપડની થેલીઓની ખરીદી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મુલતવી રાખવામાં આવી છે. આ મામલે ફેર વિચારણા કરાશે તે પછી નિર્ણય લેવાશે.

 

મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકને બદલે કાપડની થેલીનો ઉપયોગ વધે તે માટેના વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે માટે કાપડની થેલીનો ઉપયોગ વધારવા માટે 50 હજાર જેટલી થેલીની ખરીદી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

 

આ માટે 96 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો થાય છે. આ થેલી પર ગાંધીનગર મહાનગરપાલિકાનો લોગો પણ લગાવવામાં આવનાર છે. જેની ડિઝાઇન પણ એનઆઇડી દ્વારા તૈયાર કરવામાં આવી છે. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં આ મામલે પરામર્શ બાદ ટેન્ડરને હાલ મંજૂરી આપવાનું મુલતવી રાખવામાં આવ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું કે થેલીના વિતરણની વ્યવસ્થા કેવી રીતે કરવી તે સમગ્ર મુદ્દો નક્કી કરવાનો બાકી છે. આથી હાલ ટેન્ડરને મંજૂરી અપાઇ નથી.

 

જે જાગૃત નાગરિકો 500 ગ્રામ પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવે તેમને થેલી આપવામાં આવે તે પ્રકારનું આયોજન વિચારણામાં છે. જેથી આ મામલે આગામી દિવસોમાં નિર્ણય કરીને તે પછી ટેન્ડરને મંજૂરી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *