China સરકારનો કડક નિર્ણય, AI એન્જિનિયરો દેશની બહાર નહીં જઈ શકે

Spread the love
ચીનની સરકાર હવે AI સેક્ટરમાં કામ કરતા મોટા નિષ્ણાતોની વિદેશ યાત્રાઓ પર વધુ કડક નિયંત્રણ લાવી રહી છે. મળતી માહિતી મુજબ, ચીન સરકારે ખાનગી કંપનીઓમાં કામ કરતા અનેક AI એક્સપર્ટ્સ માટે નવા પ્રવાસ નિયમો લાગુ કર્યા છે. તેમાં અલીબાબા અને ડીપસીક જેવી મોટી કંપનીઓ સાથે જોડાયેલા લોકો પણ સામેલ છે. માહિતી અનુસાર, ચીનની સરકારી એજન્સીઓ ખાસ કરીને એ લોકો પર નજર રાખી રહી છે, જે અદ્યતન AI ટેક્નોલોજી પર કામ કરે છે.

ખાનગી AI કંપનીઓમાં કામ કરતા લોકો પર કડકાઈ

 

હવે આવા લોકોને વિદેશ જવા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડી શકે છે. આ નિયમોમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, રિસર્ચર્સ અને મોટી ટેક કંપનીઓના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ચીન અગાઉથી જ કેટલાક મહત્વના ક્ષેત્રોમાં કામ કરતા લોકો પર પ્રવાસ સંબંધિત નિયંત્રણો લાગુ કરતું આવ્યું છે. યુનિવર્સિટી રિસર્ચર્સ, પરમાણુ વૈજ્ઞાનિકો અને સરકારી કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ પહેલાથી જ આવા નિયમોના દાયરામાં હતા. પરંતુ પ્રથમ વખત ખાનગી AI કંપનીઓમાં કામ કરતા લોકો પર પણ આવી કડકાઈ કરવામાં આવી રહી છે.

 

આ નિર્ણય પાછળ શું કારણ છે?

 

ચીનમાં સરકારી કંપનીઓના ટોચના અધિકારીઓ અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના પાસપોર્ટ ઘણીવાર સરકાર પાસે જ રાખવામાં આવે છે. પરંતુ હવે ખાનગી કંપનીઓના કર્મચારીઓ સુધી આ નિયમોનો વ્યાપ વધારવો એક મોટું પગલું માનવામાં આવે છે. સરકાર હવે માત્ર કોઈ વ્યક્તિનું પદ કે કંપની નહીં, પરંતુ તે દેશ માટે ટેક્નોલોજીની દૃષ્ટિએ કેટલો મહત્વનો છે તે પણ ધ્યાનમાં લઈ રહી છે.

 

નિષ્ણાતોના મત મુજબ, ચીન હવે AI એન્જિનિયર્સ અને રિસર્ચર્સને વ્યૂહાત્મક સંપત્તિ તરીકે જોવાનું શરૂ કર્યું છે. ChatGPT આવ્યા પછી ચીનમાં AI સેક્ટર ઝડપથી વિકસ્યું છે અને અનેક મોટા ટેક નિષ્ણાતો સામે આવ્યા છે. જોકે, આ કડક નિયમોની અસર ચીનની AI ઈન્ડસ્ટ્રી પર પણ પડી શકે છે. કંપનીઓ માટે સારા ટેલેન્ટને ભરતી કરવું અને લાંબા સમય સુધી જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે. કેટલાક લોકો માને છે કે સરકાર AI ઉદ્યોગમાં જરૂર કરતાં વધુ દખલ કરી રહી છે.

 

ચીની AI કંપનીએ દેશ છોડ્યો

 

Manus નામની AI કંપનીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કંપનીની શરૂઆત ચીનમાં થઈ હતી, પરંતુ બાદમાં તે Singaporeમાં શિફ્ટ થઈ ગઈ. ત્યારબાદ Meta સાથે જોડાયેલી અંદાજે 2 અબજ ડોલરની ડીલને લઈને ચીનમાં વિવાદ વધ્યો હતો. ચીનને એ ચિંતા સતાવવા લાગી કે દેશની ટેક્નોલોજી અને પ્રતિભાશાળી લોકો વિદેશ જઈ રહ્યા છે. આ પછી ચીને સંવેદનશીલ ટેક કંપનીઓમાં અમેરિકી રોકાણ પર પણ વધુ કડક નજર રાખવાનું શરૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *