લગ્ન માટે છોકરા સાથે મીટીંગ થાય ત્યારે છોકરીએ પુછી લેવા આ 5 પ્રશ્નો, લગ્ન પછી પસ્તાવાનો વારો નહીં આવે

Spread the love
અરેન્જ મેરેજ કરવાના હોય તો એકબીજાને જોઈને પસંદ કરી લીધા એટલું પૂરતું નથી. હવે સમય એવો થઈ ગયો છે કે લગ્ન પહેલા જ કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પણ જરૂરી થઈ ગયા છે. આ પ્રશ્નોના જવાબ પરથી નક્કી કરી શકાય છે કે યુવક સાથે લગ્ન કરવા કે નહીં. લગ્ન માટે મુલાકાત કરવા આવ્યો હોય તે શરૂઆતમાં સારો વ્યવહાર કરે તે સ્વાભાવિક છે પરંતુ અમુક મુદ્દા એવા હોય છે જેના પર યુવકના વિચાર કેવા છે તે જાણી લેવું જરૂરી હોય છે.

યુવક-યુવતી વચ્ચે લગ્ન પહેલા જ અમુક બાબતો ક્લિયર થઈ જાય તે આજના સમયમાં જરૂરી છે નહીં તો આવી વાતો લગ્ન પછી ગેરસમજ અને પસ્તાવાનું કારણ બની જાય છે. આવું ન થાય તે માટે લગ્ન માટે મળવા આવેલા યુવકને આ 5 પ્રશ્નો પૂછી લેવા જોઈએ.. આ 5 પ્રશ્નોના જવાબ પરથી એ પણ જાણી શકાય છે કે યુવકનો સ્વભાવ અને વિચારો ખરેખર કેવા છે. આ વાત જાણીને યુવક સાથે લગ્ન કરવા કે નહીં તે નક્કી કરવું યુવતી માટે સરળ થઈ જાય છે.

 

લગ્નની મિટિંગમાં પૂછવા જેવા પાંચ પ્રશ્નો

 

લગ્ન પછી પત્ની પાસેથી શું અપેક્ષા છે ?

 

યુવક ને પૂછી લેવું જોઈએ કે તેણે પોતાના જીવનસાથી પાસેથી કેવી અપેક્ષા રાખી છે એટલે કે લગ્ન પછી તેની પત્ની કેવી રીતે રહે, લગ્ન પછી તે પત્ની સાથે કેવી લાઈફ સ્ટાઈલ ઇચ્છે છે તે પૂછી લેવું. આ વાતના જવાબ પરથી એ જાણી શકાય છે કે યુવકે પોતાની પત્ની માટે કોઈ નિયમો બનાવેલા છે કે નહીં. લાઈફ સ્ટાઈલ વાળી વાત પરથી એ જાણી શકાશે કે યુવકને હરવા ફરવાનો, સોશિયલ લાઈફનો કે મિત્રો સાથે ટ્રાવેલ કરવાનો શોખ છે કે નહીં. લગ્ન પહેલા જ ખબર હોય કે સામેની વ્યક્તિની લાઈફસ્ટાઈલ કેવી છે અને લગ્ન પછી તે કેવી લાઈફ સ્ટાઈલ જીવશે તો તેની સાથે આગળ વધવું કે નહીં તે નક્કી કરવું સરળ થઈ જાય છે.

 

આર્થિક જવાબદારી

 

જે વ્યક્તિ સાથે લગ્ન કરવાનો વિચાર હોય તે વ્યક્તિ પૈસાને લઈને શું વિચારે છે અને આર્થિક જવાબદારી વિશે શું વિચારે છે તે પહેલાથી જ સમજી લેવું જોઈએ. આર્થિક બાબતો વિશે જાણવું એટલે પણ જરૂરી છે કે તેના પરથી એ વાતનો ખ્યાલ આવે છે કે સામેની વ્યક્તિ ખર્ચ અને બચત ને કઈ રીતે હેન્ડલ કરે છે અને તેના વિચારો પૈસાને લઈને કેવા છે. વધારે પડતી કંજૂસ વ્યક્તિ સાથે જીવન જીવવું પણ મુશ્કેલ હોય છે અને બે ફિકરીથી ખર્ચ કરતા અને સેવિંગ ન કરતા વ્યક્તિ પણ પરેશાનીનું કારણ બની શકે છે.

 

પોતાના કરિયર વિશે પ્રશ્ન

 

આજના સમયમાં મોટાભાગની યુવતીઓ કામકાજી હોય છે. જો તમે પણ લગ્ન પછી નોકરી કરવા માંગો છો અને તમારા કરિયરને લઈને સિરિયસ છો તો કરિયર વિશે પણ યુવક સાથે વાત કરી લો. લગ્ન પહેલા એ જાણવું જરૂરી હોય છે કે સામેની વ્યક્તિ તમારા કરિયરને કેટલું મહત્વ આપશે. ઘણી વખત કરિયર બાબતે સ્પષ્ટતા ન થાય અને લગ્ન પછી નોકરી છોડવાની વાત આવે તો સમસ્યા થાય છે તેથી તમે કરિયરને લઈને સિરિયસ હોય તો યુવકને પહેલા જ આ વાત જણાવી દો.

 

ગુસ્સો આવે ત્યારે શું કરે ?

 

આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ સાથે આખું જીવન જીવવાનું હોય તો એ જાણવું જરૂરી છે કે જ્યારે તે ગુસ્સામાં હોય કે ઝઘડો થાય તો તે સમસ્યાનું સમાધાન કેવી રીતે કરે છે અને જ્યારે તે ગુસ્સામાં હોય તો તે સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે ? ગુસ્સો આવે છે ત્યારે તે શું કરે છે એ પ્રશ્નનો જવાબ સામેની વ્યક્તિને સમજવામાં મદદ પણ કરશે અને એ પણ જાણી શકાશે કે પાર્ટનર શાંતિ અને સમજદારીથી વાત કરવાવાળો છે કે પછી ગુસ્સામાં કંઈ પણ બોલી દેનાર.

 

ફેમિલી પ્લાનિંગ

 

લગ્ન માટેની મિટિંગમાં આ પ્રશ્ન કરવો ઘણી યુવતીને યોગ્ય નથી લાગતો. પરંતુ આ મામલે સ્પષ્ટતા ન થઈ હોવાથી લગ્ન પછી ઘણા પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે. અરેન્જ મેરેજ કરવાના હોય તો બાળકો અને ફેમિલી પ્લાનિંગના ટોપીક વિશે વાત કરી લેવી જોઈએ.. ઘણી વખત યુવતીઓ પોતાનું કરિયર બનાવવા માંગતી હોય છે અને લગ્ન પછી થોડા સમયમાં તેના પર બાળકો કરવા માટે પ્રેશર બનવા લાગે છે.. આવું ન થાય તે માટે લગ્ન માટેની મુલાકાત દરમિયાન જ ફેમિલી પ્લાનિંગ અને બાળકો વિશે ચર્ચા કરી લેવી જોઈએ જેથી લગ્ન પછી સમસ્યા ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *