ઈંધણ કટોકટી પણ એક મુદ્દો : વેકેશન બાદ પણ અભ્યાસના દિવસો ઘટાડવા સરકારને `પ્લાન’ અપાયો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચાલી રહેલી ભારે ગરમીએ જનજીવન પર મોટી અસર કરી છે તથા હવે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ આગામી માસથી શરૂ થનાર છે. તે સમયે શાળા સંચાલકોએ જયાં સુધી હીટ-વેવ ચાલુ હોય ત્યાં સુધી શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ નહી કરવા સરકારને વિનંતી કરી છે.
જેના કારણે શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર જે તા.8 જૂનથી શરૂ થઈ રહ્યું છે તેમાં હવે વેકેશન એક સપ્તાહ 10 દિવસ લંબાવવા માંગણી કરી છે. જેના પર હવે રાજય સરકાર આ સપ્તાહના અંત સુધીમાં નિર્ણય લેશે તેવા સંકેત છે.
ધ સ્ટેટ સ્કુલ મેનેજમેન્ટ એસો.એ રાજય સરકારને બાળકોના આરોગ્ય ઉપરાંત હાલ જે ઈંધણની સ્થિતિ છે તથા વાહનોને પુરતા પ્રમાણમાં ગેસ-પેટ્રોલ મળી રહ્યા નથી તેને પણ એક કારણ તરીકે રજુ થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો ઓનલાઈન શિક્ષણની પણ સલાહ આપી છે અને કોલેજો તથા અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તો તેના પર પણ વિચારણા કરી રહી છે.
હાલમાં જ સ્કુલ મેનેજમેન્ટનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને મળ્યુ હતું જેમાં રજુઆત કે રાજયમાં ઉષ્ણતામાનનો પારો 40 ડીગ્રી અને તેથી ઉપર રહેવાની ધારણા આગામી માસમાં પણ છે. જેના કારણે નાના ભુલકાઓથી લઈને માધ્યમિક શાળા વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવા અને અભ્યાસમાં ભારે ગરમીનો સામનો કરવો પડશે. જે તેના આરોગ્ય પર અસર કરશે.
આ ઉપરાંત જે રીતે ઈરાન યુદ્ધના કારણે ઈંધણ કટોકટી સર્જાઈ છે. તેમાં શાળાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, રીક્ષા-સ્કુલવેન વિ. માટે પુરતુ ઈંધણ મળી રહેવા અંગે પણ પ્રશ્ન છે અને `કરકસર’માં ઈંધણ વપરાશ ઘટવાના બદલે વધવા લાગશે.
હાલ પણ વાહનોને પુરતુ ઈંધણ મળી શકતુ નથી જેની પરીસ્થિતિ થાળે પડે તે પણ જરૂરી છે. આ વિકલ્પમાં કેજીથી ધો.5 માટે પાંચ દિવસ શિક્ષણ કાર્ય તથા ધો.6થી8 માટે ત્રણ દિવસ અને ધો.9થી12 માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ સરકારને અપાયા છે. જેમાં હવે રાજય સરકાર ગમે તે સમયે નિર્ણય લેશે. જયારે કોલેજ સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં હાલ ઓનલાઈન શિક્ષણ એ હાલ વિકલ્પ અજમાવાશે.
