અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ જેવી અત્યંત જટિલ અને જીવલેણ જન્મજાત ખામીની સફળ સર્જરી થકી નવજાત બાળકીને મળ્યું નવજીવન: આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Spread the love

 

ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલો ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની: આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી

 

અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના એક શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેનું સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આમ, ગુજરાત સરકારની વિવિધ સિવિલ હોસ્પિટલો ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની છે, તેમ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.

 

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ આ ભગીરથ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આવી અત્યંત જટિલ અને સંવેદનશીલ સર્જરીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકપણ રૂપિયાના ખર્ચ વિના વિનામૂલ્યે કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની અદ્યતન ટેકનોલોજી, કુશળ ડૉક્ટરો અને મલ્ટી-ડિસિપ્લિનરી ટીમવર્કનું આ ઉત્તમ પરિણામ છે. ગરીબ પરિવારની વ્હાલસોયી દીકરીને નવજીવન આપવા બદલ સિવિલની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.

 

આ અંગે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીડીયાટ્રીક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ એસ. જોશીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના નલિયા ખાતે મજૂરી કામ કરતા શ્રી અનમોલ નોડના ઘરે ગત ૧ મે, ૨૦૨૬ના રોજ સામાન્ય પ્રસૂતિ દ્વારા ૨ કિલો વજન ધરાવતી બાળકી ‘બેબી અનમોલ’નો જન્મ થયો હતો. જન્મતાની સાથે જ બાળકી શ્વાસ ન લઈ શકતા તેને સ્થાનિક હોસ્પિટલો અને ત્યારબાદ ભુજ રિફર કરવામાં આવી હતી. ભુજમાં ૬ દિવસની સઘન સારવાર છતાં કોઈ સુધારો ન થતાં આખરે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. જ્યાં તા. ૮ મે, ૨૦૨૬ના રોજ સિવિલના પીડિયાટ્રિક વિભાગના હેડ ઓફ યુનિટ ડૉ. ચારુલ મહેતાની દેખરેખ હેઠળ બાળકીને NICUમાં દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નાકમાંથી રાયલ ટ્યુબ પસાર ન થતાં તબીબોને શંકા ગઈ અને CT Scan PNS કરાવતા ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ હોવાની પુષ્ટિ થઈ હતી. જેથી તાત્કાલિક બાળકીને મોં વાટે નળી નાખીને ઓક્સિજન સપોર્ટ પર લેવામાં આવી હતી.

 

શ્રી જોશીએ ઉમેર્યું હતું કે, ગત તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ આ બાળકીની “એન્ડોસ્કોપિક ટ્રાન્સનેસલ કોઆનોપ્લાસ્ટી” સર્જરી કરવામાં આવી હતી. અત્યંત બારીકાઈ પૂર્વકની આ સર્જરીમાં નાકનો બંધ માર્ગ દૂર કરી, સેપ્ટેક્ટોમી દ્વારા શ્વાસ લેવાનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ જટિલ સર્જરી દરમિયાન એનેસ્થેસિયા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મૃણાલિની અને તેમની ટીમે બાળકીને એનેસ્થેસિયા આપવાની નાજુક જવાબદારી ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી હતી.

 

ઓપરેશન બાદ પણ પડકાર પૂરો થયો ન હતો. બાળકીને પોસ્ટ-ઓપરેટિવ કેર માટે NICU માં ખસેડાઈ હતી. ડૉ. ચારુલ મહેતા, ડૉ. કોમલ ચૌધરી અને ડૉ. પ્રિયંકા ગજ્જરની ટીમે ૫ દિવસ સુધી બાળકીને વેન્ટિલેટર પર રાખી અત્યંત બારીક દેખરેખ રાખી હતી. પાંચમાં દિવસે બાળકીને વેન્ટિલેટરથી મુક્ત કરાઈ અને નાકમાં મુકેલી નળીઓ પણ તબક્કાવાર હટાવી લેવામાં આવી હતી. હાલ ‘બેબી અનમોલ’ સંપૂર્ણ સ્વસ્થ છે. તે કોઈ પણ સપોર્ટ વિના કુદરતી રીતે નાકથી શ્વાસ લઈ રહી છે અને માતાનું દૂધ પણ સારી રીતે પી રહી છે, તેમ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીએ ઉમેર્યું હતું.

 

*શું છે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા?’*

 

‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ એક એવી જટિલ અને અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે, જેમાં બાળકના નાકના બંને છિદ્રો પાછળથી સંપૂર્ણપણે બંધ હોય છે. આવા બાળકો નાકથી બિલકુલ શ્વાસ લઈ શકતા નથી. જ્યારે તેઓ રડે છે ત્યારે જ મોં વાટે થોડો શ્વાસ લઈ શકે છે. નવજાત શિશુ માટે આ સ્થિતિ અત્યંત કટોકટીભરી ગણાય છે, કારણ કે તેમાં ઓક્સિજનની ગંભીર ઉણપ થતાં શરીર વાદળી પડી જવાનું અને જીવ જવાનું જોખમ ખૂબ વધી જાય છે. સામાન્ય રીતે આ ખામી દર ૫ થી ૮ હજાર બાળકોમાં કોઈ એકમાં જોવા મળે છે, જેમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *