Ebola Virus: ઈબોલા વાયરસમાં કેવા લક્ષણો જોવા મળે ? જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ અને બચવા માટે શું કરવું ?

Spread the love
ચેતતો નર સદા સુખી… આ કહેવત ઈબોલા વાયરસ મામલે કહી શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇબોલા વાયરસના કેસ જે રીતે સામે આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ ઇબોલા વાયરસને લઈને એડવાઈઝરી જાહેર કરી દેવામાં આવી છે. દુનિયાના કેટલાક દેશોમાં ઇબોલા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. જે વાતને ધ્યાનમાં રાખીને ભારતમાં સ્વાસ્થ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.

જેથી સંભવિત સંક્રમણને પણ સમય રહેતા રોકી શકાય અને દેશમાં કોરોના વાયરસ જેવી સ્થિતિ ન સર્જાય. ઇબોલા વાયરસને લઈને એવા લોકોએ ખાસ ધ્યાન રાખવું જે ઈબોલાથી પ્રભાવિત દેશોમાંથી પરત ભારતમાં આવી રહ્યા હોય. આવા લોકો પર સ્વાસ્થ્ય વિભાગ પણ નજર રાખી રહ્યું છે.

કયા કયા દેશોમાં ફેલાયો છે ઇબોલા વાયરસ ?

 

ઈબોલા વાયરસથી પ્રભાવિત દેશોમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, યુગાન્ડા, દક્ષિણ સુડાનનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા લોકોને ઈબોલાથી પ્રભાવિત દેશોમાં ન જવાની સલાહ આપી છે. સાથે જ યાત્રા કરીને પરત ફરેલા લોકોને પણ સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે. જે ભારતીય આ દેશોમાં રહી રહ્યા છે તેમના માટે પણ એડવાઈઝરીનું પાલન કરવું જરૂરી છે.

 

ભારતમાં ઈબોલાના કેસ

 

હાલમાં સારી વાત એ છે કે ભારતમાં ઈબોલાનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ તેમ છતાં સ્વાસ્થ્ય વિભાગ દરેક પ્રકારની સાવધાની રાખી રહ્યું છે જેથી આગામી દિવસોમાં પણ ભારતમાં ઈબોલા વાયરસના કેસ ન નોંધાય. તેના માટે લોકોને પણ એ જાણકારી હોવી જરૂરી છે કે ઇબોલા વાયરસ શું છે અને કેવી રીતે ફેલાય છે ?

શું છે એ ઇબોલા વાયરસ ?

 

ઇબોલા વાયરસ ખતરનાક અને જીવલેણ વાયરસ છે. આ વાયરસ પણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે. જોકે આ વાયરસ કોરોનાની જેમ હવાના માધ્યમથી નથી ફેલાતો. સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી નીકળેલા તરલ પદાર્થોના સંપર્કમાં આવવાથી આ વાયરસ સરળતાથી ફેલાય છે.

 

ઇબોલા વાયરસના લક્ષણો

 

કોરોનાવાયરસની જેમ આ વાયરસના શરૂઆત લક્ષણ પણ એકદમ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવા દેખાય છે. ઇબોલા વાયરસના લક્ષણોને વાત કરીએ તો ચેપ લાગ્યા પછી દર્દીને તાવ આવે છે, સ્નાયુમાં દુખાવો થાય છે, નબળાઈ અને થાક લાગે છે. ઘણા કેસમાં ત્વચા પર લાલ નિશાન બની જાય છે, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અને ગળાની તકલીફો પણ થઈ શકે છે.

 

ઇબોલા વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ હેલ્થ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે હાલ ઇબોલા વાયરસ ફેલાયો છે તેવા દેશોમાં યાત્રા કરવાથી બચવું. આ સિવાય વિદેશ યાત્રા પછી ઉપર જણાવેલા કોઈપણ લક્ષણ જણાય તો તુરંત ડોક્ટરને બતાવી સારવાર લઈ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *