
આજે ‘મન કી બાત’ના 134મા એપિસોડમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા જ ઝારખંડના રાંચીમાં નેશનલ સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં લગભગ 800 એથ્લીટ્સે ભાગ લીધો હતો. આ બધા દેશભરમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ-અલગ ઇવેન્ટમાં ચાર નેશનલ રેકોર્ડ તૂટી ગયા. ગુરિન્દરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર – આ તમામે અલગ-અલગ કેટેગરીમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. હું સૌપ્રથમ તો તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
100 મીટર રેસમાં ત્રણ વાર તૂટ્યો નેશનલ રેકોર્ડ: પીએમ મોદી
પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, “મિત્રો, એક ઇવેન્ટ જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે, એ છે – 100 મીટરની રેસ. માત્ર બે દિવસમાં 100 મીટર રેસની પુરુષ કેટેગરીમાં નેશનલ રેકોર્ડ ત્રણ વાર તૂટી ગયો. જે બે એથ્લીટ્સે આ શાનદાર પ્રદર્શન કર્યું છે, તેમના નામ છે – ગુરિન્દરવીર સિંહ અને અનિમેષ કુજુર.”
એથ્લીટ ગુરિન્દરવીર સિંહ અને અનિમેષ કુજુર સાથે વાતચીત
પીએમ મોદીએ કહ્યું કે, આપણે સંગીતમાં જુગલબંધી જોઈ છે, પરંતુ આ જુગલબંધી ખાસ છે કે એક પડકાર આપે છે અને બીજો તે પડકારને ઉઠાવી લે છે. પછી, તેઓ ત્રીજી વખત તે કરે છે. તમારો વિષય ખૂબ જ રસપ્રદ રહ્યો છે. હું ઈચ્છું છું કે “મન કી બાત”ના શ્રોતાઓ તમારા વિશે અને તમે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે વિશે જાણે.
એથ્લીટ અનિમેષ કુજુરે પોતાના વિચારો રજૂ કર્યા
એથ્લીટ અનિમેષ કુજુરે પીએમ મોદીના કાર્યક્રમમાં કહ્યું કે, “નમસ્તે સર, મારું નામ અનિમેષ કુજુર છે. હું 200 મીટર અને 400 મીટરનો નેશનલ રેકોર્ડ હોલ્ડર છું અને હું છત્તીસગઢથી આવું છું. હાલમાં હું ઓડિશાથી રમું છું. ગયા વર્ષે મેં એશિયન મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ મેડલ જીત્યો હતો. મેં એથ્લેટિક્સ 2021થી શરૂ કર્યું, જ્યારે હું સ્કૂલમાંથી પાસ થયો.”
દેશમાં વધતી ગરમીને લઈને PM મોદીએ ફરીથી કરી અપીલ
PM મોદીએ દેશમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ફરી એકવાર દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મારા પ્રિય દેશવાસીઓ, હાલમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. આકરો તડકો, ગરમ પવન, આવા વાતાવરણમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી પીતા રહો. જો તડકામાં ક્યાંય બહાર જવું પડે એવું હોય તો થોડું ધ્યાન રાખીને જાવ. સરકારના વિવિધ વિભાગોએ જે ગાઈડલાઈન્સ જાહેર કરી છે, એ પણ ભૂલશો નહીં.
PM મોદીએ કહ્યું કે, મિત્રો, આપણા દેશમાં ગરમી સામે લડવાનો ઉપાય ઘણીવાર રસોડામાંથી પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ-જેમ ગરમી વધે છે, તેમ-તેમ ઘરનું રસોડું પણ બદલાઈ જાય છે, રસોડાની વાનગીઓ પણ બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવામાં આવે છે, ક્યાંક દહીં જમવામાં આવે છે, તો ક્યાંક કાચી કેરી ઉકાળવામાં આવે છે – અને પછી શરૂ થાય છે દેશી પીણાંની સીઝન.
PM મોદીએ કહ્યું કે, દેશી પીણાંથી તમે પણ પરિચિત છો. જો તમે ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે કેરી પન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત. પંજાબ-હરિયાણામાં જશો તો લસ્સી મળશે, મોટા ગ્લાસમાં લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાસ, જે દરેક ભોજનની સાથી બની જાય છે. બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં સત્તૂનું શરબત, એ તો પેટ પણ ભરે છે અને તાકાત પણ આપે છે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત, સોલ કઢી. દક્ષિણ ભારતમાં પાનકમ, નીર મોર, સંભારમ અને ઓડિશામાં બેલ પના – એ માત્ર પીણાં નથી, એ ભારતના વિવિધ વિસ્તારોની પરંપરાનો ભાગ છે.
PM મોદીએ કહ્યું કે, એમાં ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ભાવના પણ જોવા મળે છે. એક વાત જરૂર યાદ રાખજો, આમાંથી મોટાભાગની વસ્તુઓ આપણા પોતાના રસોડામાંથી, આપણા ખેતરમાંથી નીકળી છે. કોઈ મોટી બ્રાન્ડિંગ નથી, પણ પેઢીઓનો અનુભવ એમાં સમાયેલો છે. તમે પણ ગરમી દરમિયાન દેશી પીણાંનો આનંદ માણો.
દેશભરની કેરીની જાતનો કર્યો ઉલ્લેખ
PM મોદીએ કહ્યું, “મિત્રો, ગરમી શરૂ થતાં જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થાય છે – એ છે કેરી. કેરી ચર્ચાનો વિષય બને છે, ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે, જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થાય. દરેક વિસ્તારની પોતાની કેરી, પોતાનો સ્વાદ, પોતાની સુગંધ છે. મહારાષ્ટ્ર અને કોંકણની હાપૂસ, અલ્ફાંસો, ગુજરાતની કેસર, ઉત્તર પ્રદેશની દશેરી અને મારા કાશીની લંગડા, બિહારની જર્દાલૂ, ચૌસા, માલદા – દરેક નામ સાથે લોકોની યાદો જોડાયેલી છે.”
કેરી પકવતા ખેડૂતોની કરી પ્રશંસા
PM મોદીએ કહ્યું, દક્ષિણ ભારતમાં જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, મલગોવા, બંગાળની હિમસાગર, ઓડિશા અને આંધ્ર પ્રદેશની સુવર્ણરેખા. એટલે, જગ્યા બદલાય છે, કેરીનો સ્વરૂપ, રંગ અને સ્વાદ પણ બદલાય છે. મિત્રો, કેરીની આ યાત્રા હવે ગામથી ગ્લોબલ માર્કેટ સુધી પહોંચી રહી છે. આજે ‘મન કી બાત’ દ્વારા હું કેરીની ખેતી કરતા આપણા ખેડૂત ભાઈ-બહેનોની પ્રશંસા કરું છું. તમે દેશની કૃષિ અર્થવ્યવસ્થામાં સામાન્ય ખેડૂત નથી, તમે ખૂબ વિશેષ છો.
નેધરલેન્ડ્સે ચોલા યુગની તામ્ર પત્રિકાઓ પાછી આપી
PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું, મારા પ્રિય દેશવાસીઓ, થોડા દિવસો પહેલા મને યુરોપના નેધરલેન્ડ્સ જવાનો અવસર મળ્યો. ત્યાં હું અનેક બેઠકમાં હાજર રહ્યો. એ દરમિયાન એક એવી ક્ષણ આવી, જેનાથી દરેક ભારતીયને ગર્વ થયો. નેધરલેન્ડ્સમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ચોલા યુગની પ્રાચીન તામ્ર પત્રિકાઓ ભારતને પાછી સોંપવામાં આવી. એ કાર્યક્રમમાં નેધરલેન્ડ્સના વડાપ્રધાન પણ હાજર હતા. આ તામ્ર પત્રિકાઓને લઈને મને દેશ-વિદેશમાંથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ અનુભવી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આને લઈને ખાસ ઉત્સાહમાં છે.
ડોલ્ફિન રેસ્ક્યૂ એમ્બ્યુલન્સથી બચ્યો ગંગા ડોલ્ફિનનો જીવ: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, “મિત્રો, ‘મન કી બાત’ કાર્યક્રમને જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે, હું તેમને કહું છું કે એક ખાસ વીડિયો જરૂર જુઓ. આ વીડિયો છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ ચર્ચામાં રહ્યો છે. તેમાં કેટલાક લોકો ખૂબ ધીરજ અને સાવચેતીથી એક ગંગા ડોલ્ફિનને બચાવવાનો પ્રયાસ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આખા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને અંતે ડોલ્ફિનને બચાવી લેવામાં આવી. પીએમ મોદીએ આગળ કહ્યું, “મિત્રો, આ સમગ્ર ઘટનામાં ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યૂ એમ્બ્યુલન્સની ખૂબ મોટી ભૂમિકા રહી. આ ઘટના ઉત્તર પ્રદેશની છે, જ્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. એવા સમયે ‘નમામી ગંગે અભિયાન’ હેઠળ બનેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશાની કિરણ બનીને પહોંચી. પછી ખૂબ સાવચેતીથી તેને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, સારવાર આપવામાં આવી અને પછી તેને સુરક્ષિત રીતે રાપ્તિ નદીમાં છોડવામાં આવી. આમ, એક જીવ ફરીથી પોતાના ઘર પરત ફર્યો.”
જવાનો માટે ગિરિજા અમ્માએ વિદ્યાર્થીઓ સાથે મળીને 40 લાખ એકત્રિત કર્યા: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, મિત્રો, ગયા મહિને મને એક ખૂબ જ સુંદર અનુભવ થયો. આ અનુભવ ‘મન કી બાત’ સાથે પણ જોડાયેલો છે. એટલે આજે હું એ વિશે આપ સૌને જણાવવા માંગું છું. તામિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષિકા સાથે થઈ. લગભગ ત્રણ દાયકાથી પણ વધુ સમય પહેલા પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવા વિદ્યાર્થીઓ પણ એમની સાથે હતા. ગિરિજા અમ્મા લગભગ 15 સ્કૂલ ચલાવે છે. જેમાં ચેન્નાઈની જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય ખૂબ જ જાણીતી છે. એમની દેશભક્તિ દરેક ભારતીયને પ્રેરણા આપે એવી છે. તેમણે ‘મન કી બાત’થી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાન આપવાનો સંકલ્પ લીધો. એ માટે એમણે એમના તમામ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. એમણે બાળકોને કહ્યું કે, તેઓ દરરોજ સૈનિકો માટે 1 રૂપિયો યોગદાન આપે. એટલે કે, એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા એકત્રિત થયા. આ રીતે નાના-નાના યોગદાનથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માએ આ આખી રકમનો ચેક મને સોંપ્યો. એમની સાથે વાતચીત દરમિયાન મને લાગ્યું કે એમનું માતૃભૂમિ પ્રત્યેનું સમર્પણ કેટલું ઊંડું છે. ગયા વર્ષે જ ચેન્નાઈના પ્રથમ હિન્દુ વિદ્યાલયે 50 વર્ષ પૂર્ણ કર્યા છે. દેશની શિક્ષા અને સાંસ્કૃતિક ગૌરવ વધારવામાં આ સ્કૂલ નેટવર્કની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય છે. હું આ સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને એ વિદ્યાર્થીઓની પ્રશંસા કરું છું, જેમણે આપણા વીર સૈનિકો માટે યોગદાન આપ્યું.