જે ઈરાન ન બનાવી શક્યું તે પરમાણું બોમ્બ ઈઝરાયેલે કેવી રીતે બનાવ્યું, તેને ટેકનોલોજી ક્યાંથી મળી?

Spread the love
મિડિલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં પરમાણુ હથિયારોને લઈને હંમેશાથી બેવડા ધોરણો જોવા મળ્યા છે. એકતરફ વૈશ્વિક સંધિઓ અને કડા આર્થિક પ્રતિબંધોના કારણે ઈરાન ઈચ્છવા છતાં પણ પરમાણુ બોમ્બ બનાવી શકતું નથી, તો બીજી તરફ તેના કટ્ટર વિરોધી ઈઝરાયેલે દુનિયાથી છુપાઈને એક મોટી પરમાણુ શક્તિ ઊભી કરી લીધી છે. તાજેતરમાં જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણુ ડીલના ડ્રાફ્ટમાં ફેરફારની માંગ વચ્ચે ફરી એકવાર આ સવાલ ગૂંજાઈ રહ્યો છે કે ઈઝરાયેલને આ ઘાતક ટેકનોલોજી ક્યાંથી મળી?

ઈઝરાયેલની ફ્રાન્સ સાથેની ગુપ્ત દોસ્તી

 

ઈઝરાયેલના પરમાણુ સંપન્ન બનવાની વાર્તા 1950 અને 1960ના દાયકામાં ફ્રાન્સ સાથેની ગુપ્ત દોસ્તીથી શરૂ થાય છે. વર્ષ 1957માં થયેલા એક સિક્રેટ કરાર હેઠળ ફ્રાન્સે ઈઝરાયેલના નેગેવ રણમાં આવેલા ‘ડિમોના’ ખાતે અત્યંત ગુપ્ત પરમાણુ રિએક્ટર બનાવવામાં મદદ કરી હતી. ફ્રાન્સે માત્ર રિએક્ટર જ નહીં, પરંતુ વેપન-ગ્રેડ પ્લુટોનિયમ તૈયાર કરવાની જટિલ ટેકનિક અને વૈજ્ઞાનિક ડેટા પણ ઈઝરાયેલ સાથે શેર કર્યો હતો. આ સિવાય, અમેરિકાના એક ન્યુક્લિયર પ્લાન્ટમાંથી રહસ્યમય રીતે ગાયબ થયેલું સંવર્ધિત યુરેનિયમ પણ યહૂદી વૈજ્ઞાનિકોના નેટવર્ક દ્વારા ઈઝરાયેલ પહોંચાડવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. તેમજ નોર્વે પાસેથી ભારે પાણી (Heavy Water) અને ૧૯૭૯માં દક્ષિણ આફ્રિકા સાથે મળીને કરેલા ગુપ્ત પરમાણુ પરીક્ષણ (વેલા ઇન્સિડન્ટ)થી ઈઝરાયેલે પોતાની ટેકનિકને આખરી ઓપ આપ્યો હતો.

 

ઈરાન પર અમેરિકાના આકરા પ્રતિબંધો

 

ઈઝરાયેલ પોતાની ‘પરમાણુ અસ્પષ્ટતા’ની નીતિને કારણે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચી ગયું, કારણ કે તેણે ક્યારેય પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કર્યા નથી. તેનાથી વિપરીત, ઈરાન આ સંધિથી બંધાયેલું હોવાથી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ની કડક દેખરેખ હેઠળ છે. ઈરાન જ્યારે પણ આગળ વધવાનો પ્રયાસ કરે છે, ત્યારે અમેરિકા તેના પર આકરા પ્રતિબંધો લાદી દે છે. એટલું જ નહીં, સ્ટક્સનેટ જેવા સાયબર હુમલા અને મોસાદ દ્વારા ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોની ટાર્ગેટ કિલિંગ કરીને ઈરાનના કાર્યક્રમને વારંવાર પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *