વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

Spread the love

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં ઊંચા તાપમાને પીગળેલા ગરમ લોખંડ (સ્ટીલ) થી ભરેલા લાડુમાં અચાનક વિસ્ફોટ થતાં 8 કામદારોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવાના આદેશ જારી કર્યા છે, સાથે જ ઘાયલોને ઉત્તમ સારવાર પૂરી પાડવા સૂચના આપી છે.

અફરાતફરીનો માહોલ અને જીવ બચાવવા દોડાદોડી

 

મળતી માહિતી મુજબ, સ્ટીલ પ્લાન્ટમાં અચાનક ગરમ સ્ટીલ ભરેલા લાડુમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે પીગળેલું સ્ટીલ લીક થઈને કામદારો પર પડ્યું હતું. આ ઘટના બનતા જ પ્લાન્ટમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. જીવ બચાવવા માટે કામદારો અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્ટીલ પ્લાન્ટના અન્ય કર્મચારીઓ અને ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સરકાર એક્શનમાં: રાહત કામગીરી ઝડપી બનાવવા આદેશ

 

આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ રાજ્યના ગૃહમંત્રી વાંગલાપુડી અનિથાએ તાત્કાલિક જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓને ઘાયલો માટે શ્રેષ્ઠ સારવારની વ્યવસ્થા કરવા અને રાહત કામગીરીમાં ઝડપ લાવવા કડક સૂચના આપી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી જાતે જ અકસ્માત સ્થળની મુલાકાતે દોડી ગયા હતા.

બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પણ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સ્થળ પરના અધિકારીઓ સાથે સીધી વાત કરીને તમામ સરકારી વિભાગોને સંકલન સાધીને બચાવ કામગીરી ઝડપથી અને યોગ્ય રીતે પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.

 

મજૂર સંઘની પ્રતિક્રિયા અને તપાસની માંગ

 

આ દુર્ઘટના અંગે મજૂર સંઘના નેતા એન. અયોધ્યારામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “અમને પ્રાથમિક ધોરણે શંકા છે કે આગ કોઈ મોટા વિસ્ફોટને કારણે જ લાગી છે, પરંતુ તેનું સાચું કારણ જાણવા માટે ઊંડી તપાસ થવી જરૂરી છે.” જોકે, ભોગ બનનારા 8 કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા કે પછી પ્લાન્ટના કાયમી કર્મચારીઓ હતા, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *