
ભાવનગર શહેરના રિંગ રોડ વિસ્તારમાં મધરાત્રિએ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અને બેફામ ગતિએ આવી રહેલી સ્વિફ્ટ કારે મોટરસાયકલને ટક્કર માર્યા બાદ રોડ સાઈડમાં ઉભેલા આરએમસીના ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં મોટરસાયકલ સવાર કાકા-ભત્રીજાના ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નિપજ્યા છે.
એક જ પરિવારના બે આશાસ્પદ સભ્યોના મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, અકવાડા વિસ્તારમાં રહેતા બેચરભાઈ ખાટાભાઈ બારૈયા (ઉ.વ 48) અને રાકેશભાઈ મનસુખભાઇ બારૈયા (ઉ.વ 28) કાળીયાબીડ સ્થિત રામ દરબારમાંથી દર્શન કરીને મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન મધરાત્રિના સુમારે રિંગ રોડ પર આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ સામેથી જ્યારે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવેલી સ્વિફ્ટ કારે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં કાકા-ભત્રીજા બંને રોડ પર પટકાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ફરજ પરના તબીબોએ બેચરભાઈને અને રાકેશભાઈને મૃત જાહેર કર્યા હતા મૃતક રાકેશના પિતાએ ભરતનગર પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો દીકરો રાકેશ તથા તેમનો નાનો ભાઈ બેચરભાઈ બંને તેમનું મોટરસાયકલ લઈને કાળીયાબીડ ખાતે રામ દરબારમાં ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા.
આ દરિમયાન શહેરના રિંગ રોડ શ્રીજી પાર્ટી પ્લોટની સામે ફોરવ્હીલ ચાલકે તેની કારને પુર ઝડપે બે ફિકરાઇથી ગફલતભરી રીતે ચલાવી તેમના દીકરા તથા ભાઈને અડફેટે લીધા હતા. કાકા-ભત્રીજાને ટક્કર માર્યા બાદ કાર ચાલકે કાર રોડ સાઇડમાં પડેલી આર.એમ.સી. ટ્રક સાથે ભટકાડી હતી. જે ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે તેમજ મોટર વાહન અધિનિયમ કલમ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.